સંસ્મરણોને કરો અપડેટ: મોબાઈલની ગેલેરી ઓપન કરી જૂના ફોટા જૂઓ
કેટલીક સ્મૃતિઓ આપણને આપણી ભૂલો પણ યાદ કરાવે છે .એવી ભૂલો આપણને દુઃખી કરી મૂકે છે .
આપણા મોબાઈલની અંદર દરેક સંસ્મરણોના સ્ક્રીનશોટ હોય છે. મનગમતા સમયે જયારે આપણે મોબાઈલની ગેલેરી ઓપન કરીયે ત્યારે,આપણી અંદર યાદોની સાથોસાથ સંવેદનાઓ અને હૂંફ રિચાર્જ થઈ જાય છે.જેમ સુકાયેલા છોડમાં જાે વેળાસર પાણી રેડીયે ,તો તે ફરીથી નવપલ્લવિત બની જાય છે , તેવી જ રીતે …મોબાઈલના સ્ક્રીન પર ફરતી આપણી આંગળીના ટેરવાઓ દરેક પ્રસંગને સાહજિકપણે અપડેટ કરે છે અને થોડાક અંશે સજીવન પણ કરે છે.
કેટ-કેટલાંય ભાવ એકસાથે વગર ચેતવણીએ માનસપટ પર આવીને આપણને મનના ઉંડાણથી અલગ રીતે ઝંઝોળી જાય છે. દરેક ફોટો અને તેમાં રહેલા પાત્રો આપણને કંઈક કહેતાં હોય એવું લાગે છે. આપણને તેઓ ફરી મળવાનું મન થઇ આવે છે. એ વખતનો આખો પ્રસંગ આપણા માનસપટ પર સંવાદો સાથેની અલગ દુનિયામાં ખેંચી જાય છે .આપણી દૈહિક હાજરી ભલે ત્યાં ના હોય પણ , માનસિક રીતે આપણે એ પાત્રોને મળી લઈએ છીએ.
મહાન કવિ શ્રી ઉમાશંકર જાેષીના કાવ્યની પંક્તિઓ મને અહીં યાદ આવી જાય છે, માઈલોના માઈલો મારી અંદર પસાર થાય છે, દોડતી ગાડીમાં હું સ્થિર ,અચલ. આ પંક્તિઓ આપણને ,આપણી ભીતર ચાલતા સંસ્મરણોના એક ટોળાને દરેક વ્યક્તિ સાથે લઈને જીવતું હોય છે ,એવું કહે છે.
આપની હાજરી લોકોને ભલે એમની વચ્ચે નજરે પડતી હોય ,પણ આપણી ભીતર કેટલાંય મનોભાવનું ઘોડાપુર ધસમસતું વહેતું હોય છે.માત્ર આ આપણેજ અનુભવતાં હોઈએ છીએ . બહારથી ભલે આપણે ધીર ગંભીર અથવા અત્યંત ખુશ લાગતાં હોઈએ .. અંદર અકથ્ય લાગણીઓ શબ્દદેહ વગર આપણી અંદર સળવળતી અને જીવતી હોય છે.
કેટલીક સ્મૃતિઓ આપણને આપણી ભૂલો પણ યાદ કરાવે છે .એવી ભૂલો આપણને દુઃખી કરી મૂકે છે …. જેની કબૂલાત આપણે પ્રામાણિકપણે કરી હોય , છતાંય એની છાપ મનમાંથી કોઈ કાઢી શક્યું ના હોય.મારા મતે દરેક વ્યક્તિને ભૂલ કરવાની છૂટ છે , માત્ર એણે પરિણામ સ્વીકારવાની તૈયારી રાખવી જાેઈએ .આવા વેદનાસભર અનુભવો ઘણું બધું શીખવી જાય છે.
સવારથી શરૂ થયેલાં કેટ- કેટલાંય અનુભવો અને એનાથી નિપજતા સંબંધોના આકાર આપણા જીવનના કેનવાસ પર છાપ મૂકતાં જાય છે.આવી કેટલીય છાપો સંસ્મરણો બનીને ડાયરીમાં અથવા અદ્રશ્ય સ્મૃતિદેશમાં શબ્દદેહ પામતી હોય છે.જીવન જયારે અઘરું લાગે ત્યારે ,આવા શબ્દો કે ફોટા વ્યક્તિને એક અલગ દુનિયામાં લઇ જવા સક્ષમ હોય છે.મારા મતે આ અનમોલ સંપત્તિ છે.
આપણે આપણા સ્મૃતિદેશમાં જઈને જૂની સ્મૃતિઓને સજીવન કરીયે …એનાથી મળતો રોમાંચ કદાચ આપણને અનોખી અંતઃસ્ફુરણા આપી શકે.આ અંતઃસ્ફુરણાનો સ્ત્રોત્ર અપરિચિત અને રહસ્યમય સમયનાં વળાંકો મુજબ વહેતો રહે છે.કદાચ આપણી બૌદ્ધિક છલાંગની ઉર્ધ્વ સંપ્રાપ્તિ આમ પણ થઇ શકે.એવું મારું માનવું છે.આપણી યાદો અને તેની સાથે સંકળાયેલા અનુભવો ચકાસીને સહૃદય સભાનતા રાખવાથી કેટલીયે મુશ્કેલીઓમાંથી બચી શકાય છે.
માત્ર સાહજિક જીવન જીવવાની ફિલોસોફીભરી વાતો ભલે હજ્જારો પુસ્તકોમાંથી વાંચવા મળી જાય … પણ, વાસ્તવિકતાઓનો સામનો કરવાનો આવે ત્યારે ,કેટલીક પીડાઓ સંવેદનાઓ સાથે જાેડાઈને તે અલગ સ્વરૂપે બહાર આવે છે.આપણી પારદર્શી હૃદયાનુભૂતિ સિન્થેટિક સંબંધોમાં લાગણીનું તત્વ ઉમેરે છે.જયારે આપણી નજરમાંથી કેટલાકના સ્નેહનું અવમૂલ્યન થતું રહે તો એવાં સંસ્મરણોને અપડેટ કરતી વખતે મનગમતાં નામોની યાદી ટૂંકી થતી જાય છે .
મારું માનવું છે , લોકો ભલે કહેતાં હોય … જીવનમાં જૂનું કશું જ યાદ ના રાખો ,એ લોકોને હું થોડુંક પૂછવા માંગુ છું.
તમે જીવનમાં એવા કોઈ સંબંધ કે મૈત્રીને તમારા દિલની ડાયરીમાં લખીને નહીં સાચવો તો ,યાદોનો અમીરસ એમજ સુકાઈ જશે.જીવનની કેટલીક એવી સુખદ ક્ષણો ભીતરની તિજાેરીને લાગણીથી છલકાવી દે છે એને કોણ ચેલેન્જ કરી શકશે .દરેક સ્વીકારે છે ….એમાં કોઈ શંકા નથી.ચિંતનની પળોમાં વ્યક્તિ વધુ જવાબદાર અને સમજદાર બનીને તેની આજુબાજુ ચાલતી ગતિવિધિઓને સમજી શકે છે, અને સાચા ર્નિણયો લઇ શકીયે.
કઠોરતા ભર્યા દંભો વ્યક્તિની સંવેદનાઓના મૂળભુત પાયાને હચમચાવી દે છે. દિલથી દિલની શબ્દયાત્રાના પડાવો સંસ્મરણોરૂપી પુષ્પગુચ્છ આપણને આપે છે.આખી જીવનયાત્રામાં આપણને માત્ર પુષ્પગુચ્છ જ નથી મળતા કાંટાઓ પણ મળે છે, આ કાંટાની પીડા યાદ રાખવાથી માનવવ્યવહારો સમજવામાં આસાની રહેશે. ભલે આપણને કશુંક પરંપરાગત , ચીલાચાલુ કે સર્વસ્વીકાર્ય ન હોય …પણ ધરતીથી જાેડાઈને , નિકટવર્તીઓ સાથે જીવીશું તો જ સમાજને કંઈક આપી શક્યાની ભાવના ખુશી આપી શકશે .
સંન્યાસી બનવું કેટલાંક માટે બહુ ગૌરવની વાત હશે , પણ મારા મતે સંબંધોની દુનિયામાં રહીને યાદો સાથે જીવીને એક સર્જનયાત્રા શરૂ કરીયે તો જે સફળતા મળે એ સાચી સફળતા છે.વીતેલી ક્ષણોમાં મળેલાં વ્યક્તિઓનો ઉપયોગ માત્ર ,થોડાક સમયનો સથવારો હતો એવું ગણીને આગળ વધવાંવાળા મારી નજરમાં માનનીય નથી.પ્રગતિ કરવાં આગળ દોડવું અગત્યનું તો છે જ, પણ જીવનયાત્રામાં મળેલાં સહયાત્રીઓ સાથેના સંસ્મરણો અપડેટ રાખી જીવીશું તો કેટલાંય આક્ષેપોથી બચી શકીશું.