શાકભાજી વેચતા ફેરિયાએ મહિલાની છેડતી કરતાં હંગામો
વિફરેલા લોકોએ શાકભાજીની લારી ઉલાળી
મોડાસા, અરવલ્લી જિલ્લાના મોડાસા બસ સ્ટેશન વિસ્તારમાં શાકભાજીની લારીઓ વાહન ચાલકો માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે. બપોરના ચાર વાગ્યાના સુમારે એક દંપતી શાકભાજી ખરીદવા માટે આવ્યા હતા
જ્યાં મહિલા પર એક શાકભાજી વિક્રેતાએ અભદ્ર કમેન્ટ કરતાં નજીકમાં ઊભા રહેલા મહિલાના પતિ સાંભળી જતાં મામલો બિચક્યો હતો. તાબડતોબ મહિલાના પરિવારજનો પહોચી ગયા હતા અને જોતજોતામાં વિવિધ સામાજિક સંગઠનના આગેવાનો પહોંચે તે પહેલાં અભદ્ર કમેન્ટ કરનાર શાકભાજી વિક્રેતા ત્યાંથી પલાયન થઈ ગયો હતો.
પીડિત પરિવારે શાકભાજી વિક્રેતાના બોલાવવા માંગ કરી હતી. જોતજોતામાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને નજીકથી લીયો પોલીસ ચોકીની ટીમ દોડી આવી હતી.
લીયો પોલીસ ચોકીની ટીમે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, મામલો થાળે પાડવાને બદલે વધારે ગરમાયો અને લારીઓ ઉંધી કરી દેવાઈ હતી. ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કર્મચારીઓએ પીસીઆર વાનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ મામલો વધારે વણશે નહીં તે માટે પ્રયાસો કર્યા હતા.