Western Times News

Gujarati News

ભારતની ચૂંટણીમાં અમેરિકન સરકારની સીધી દખલથી ખળભળાટ

નવી દિલ્હી, અમેરિકામાં એલન મસ્કના ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીએ ‘વોટર ટર્નઆઉટ’ માટે ભારતને અપાતી ૨.૧ કરોડ ડોલર (લગભગ ૧૮૪ કરોડ રૂપિયા)ની સહાય બંધ કરી દીધી છે. મસ્કના નિર્ણયના કારણે ભારતની ચૂંટણીમાં અમેરિકાની સીધી દખલ હોવાનું બહાર આવતાં ખળભળાટ મચ્યો છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ અંગે તાત્કાલિક તપાસ કરાવવાના બદલે ચૂપ છે તેથી મોદી સરકાર પણ શંકાના દાયરામાં છે. ભારતમાં આ નાણાં કઈ સંસ્થાને અપાતાં હતાં તે અંગેની વિગતો બહાર નથી આવી પણ ભાજપે કોંગ્રેસ અને નહેરૂ-ગાંધી ખાનદાનને નાણાં મળ્યાં હોવાનો આક્ષેપ કર્યાે છે.

જ્યોર્જ સોરોસે મોદીને હરાવવા નાણાં અપાવ્યાના આક્ષેપ ભાજપે કર્યા છે. બીજી તરફ નરેન્દ્ર મોદીને જીતાડવા માટે અમેરિકા નાણાં ખર્ચીને ભારતની ચૂંટણીમાં દખલગીરી કરતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

ભારતમાં પોતાના ઈશારે નાચતી સરકાર બેસાડવા માટે ડીપ સ્ટેટ્‌સ દ્વારા ખર્ચાઈ રહેલાં નાણાં અંગે મોદી સરકાર અત્યાર સુધી કેમ ચૂપ હતી એ પણ સવાલ ઉઠયો છે. કેન્દ્રમાં છેલ્લાં ૧૦ વર્ષથી ભાજપની સરકાર છે છતાં અમેરિકાની ભારતીય ચૂંટણીમાં સીધી દખલ બંધ કરાવવા માટે કેમ કોઈ પગલાં ના લેવાયાં એ સવાલ પણ થઈ રહ્યો છે.

મોદી સરકાર હજુય તપાસ કરાવતાં કેમ ખચકાઈ રહી છે અને ભાજપના નેતા માત્ર રાજકીય આક્ષેપો જ કરી રહ્યા છે એ મુદ્દો પણ ઉભો થયો છે. ભાજપે ૨૦૧૨માં એસ.વાય. કુરૈશી ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર હતા ત્યારે કોંગ્રેસના ઈશારે ચૂંટણી પંચે કરાર કરીને નાણાં લીધાં હોવાનો આક્ષેપ પણ કરેલો.

જો કે કુરેશીએ દાવો કર્યાે છે કે, યુએસએઆઈડીએ ભારતમાં મતદાનમા વધારો કરવા માટે ૨.૧૦ કરોડ ડોલરનું ભંડોળ આપ્યું હતું એના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના દાવામાં કોઈ તથ્ય નથી.

કુરૈશીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘૨૦૧૨ માં જ્યારે હું સીઈસી હતો ત્યારે ભારતમાં મતદાન વધારવા માટે યુએસ એજન્સી દ્વારા ચોક્કસ કરોડ ડોલરના ભંડોળ માટે ચૂંટણી પંચ દ્વારા એક એમઓયુ કરવામાં આવ્યો હોવાના મીડિયામાં આવેલા અહેવાલમાં દમ નથી.

હું મુખ્ય ચૂંટણી કમિશનર હતો ત્યારે ૨૦૧૨માં ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર ઈલેક્ટોરલ સિસ્ટમ્સ સાથે એમઓયુ થયા હતા. ચૂંટણી પંચના તાલીમ અને સંસાધન કેન્દ્ર- ઈન્ડિયા ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટયુટ ફોર ડેમોક્રેસી એન્ડ ઈલેક્શન મેનેજમેન્ટ ખાતે અલગ અલગ દેશો માટે તાલીમની સુવિધા માટે ચૂંટણી પંચે અન્ય એજન્સીઓ અને ચૂંટણી મેનેજમેન્ટ સંસ્થાઓ સાથે આ પ્રકારના એમઓયુ કર્યા હતા પણ તેમાં નાણાં આપવાની કોઈ વાત નહોતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.