પર્યાવરણને અનુકૂળ નેનો યુરિયા અને નેનો DAPથી ખેડૂતોની ઉપજ અને આવક વધશે
‘નેનો ક્રાંતિ’ની શરૂઆત કરનારા ગુજરાતમાં 20 લાખથી વધુ ખેડૂતો નેનો ફર્ટિલાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે
IFFCO શ્રીલંકા, નેપાળ, ભૂટાન, બ્રાઝિલ જેવા દેશોમાં નેનો યુરિયાની નિકાસ અને U.S.A માં નેનો ફર્ટિલાઈઝરનું નિદર્શન પણ કરી રહ્યું છે
ખેડૂતોની આવક બમણી કરવા અને અનાજ ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવા અને ટેક્નોલૉજીનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO)ના વૈજ્ઞાનિકોએ સ્વદેશી ટેક્નોલૉજી દ્વારા નેનો યુરિયા (પ્રવાહી) અને હવે નેનો યુરિયા પ્લસ, નેનો ડી.એ.પી. (પ્રવાહી) વિકસિત કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોને પરંપરાગત યુરિયા અને ડી.એ.પી.ની જગ્યાએ નેનો યુરિયા પ્લસ અને નેનો ડી.એ.પીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
ગુજરાતમાં થઈ ‘નેનો ક્રાંતિ‘ની શરૂઆત
વર્ષ 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર નજીક IFFCO, કલોલ ખાતે બનેલા વિશ્વના પ્રથમ નેનો યુરિયા (પ્રવાહી) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 175 કિલોલિટર (1 કિલોલિટર=1000 લિટર) પ્રતિ દિવસની છે. IFFCOએ આ સ્વદેશી નેનો ખાતરની પેટન્ટ પણ મેળવી લીધી છે. એટલું જ નહીં, IFFCO હવે શ્રીલંકા, નેપાળ, ભૂટાન અને બ્રાઝિલ જેવા દેશોમાં નેનો યુરિયાની નિકાસ કરી રહ્યું છે. તો U.S.Aમાં નેનો ફર્ટિલાઈઝરનું નિદર્શન પણ કરી રહ્યું છે.
નેનો યુરિયા પ્લસ અને નેનો ડી.એ.પી. (પ્રવાહી)નો ઉપયોગ પાકમાં નાઇટ્રોજન અને ફૉસ્ફરસની ઉણપને પૂર્ણ કરવા માટે થાય છે. અત્યારસુધી, સફેદ દાણાદાર ઘન પદાર્થમાં ઉપલબ્ધ યુરિયા અને ડી.એ.પીનો ઉપયોગ થતો હતો. આને લીધે છોડને અડધાથી પણ ઓછો ભાગ મળતો હતો, બાકીનો ભાગ જમીન અને હવામાં ચાલ્યો જતો હતો. બીજી તરફ નેનો ફર્ટિલાઈઝર (પ્રવાહી)ના કણ એટલાં નાના હોય છે કે તે પાંદડાથી સીધા છોડમાં પ્રવેશ કરે છે. નેનો યુરિયા અને નેનો ડી.એ.પીની 500 મિલીલિટરની એક બોટલથી એક એકરના ખેતરમાં એક વખત છંટકાવ કરી શકાય છે.
ગુજરાતના 20 લાખથી વધુ ખેડૂતોએ નેનો ફર્ટિલાઈઝર અપનાવ્યું
ગુજરાત નવી પહેલ અને નવી ટેક્નોલૉજીને અપનાવવા બાબતે અગ્રેસર રાજ્ય છે. અહીંના ખેડૂતોએ ટપક સિંચાઇ, મલ્ચિંગ અને જંતુનાશકોના છંટકાવ માટે ડ્રોન જેવી આધુનિક ટેક્નોલૉજીને મોકળા મને અપનાવી છે. આ જ સંદર્ભમાં હવે નેનો યુરિયા (પ્રવાહી) પણ ખેડૂતોમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે. આજે ગુજરાતમાં લગભગ 20 લાખથી વધુ ખેડૂતો નેનો યુરિયા (પ્રવાહી)નો ઉપયોગ કરી રહ્યા છે.
જો વેચાણના આંકડાઓ પર નજર કરીએ, તો ગુજરાતમાં વર્ષ 2021-22માં નેનો યુરિયાની 8,75,000 બોટલના વેચાણની સરખામણીએ 2022-23માં 17,65,204 બોટલનું વેચાણ થયું હતું. વર્ષ 2023-24માં આ આંકડો વધીને 26,03,637 બોટલ સુધી પહોંચી ગયો છે.
ખર્ચમાં ઘટાડો થશે, ખેડૂતોની ઉપજ અને આવક વધશે
બોરીઓમાં ઉપલબ્ધ પરંપરાગત યુરિયા અને ડી.એ.પીની સરખામણીમાં બોટલમાં મળતા નેનો ફર્ટિલાઈઝર (નેનો યુરિયા પ્લસ અને નેનો ડી.એ.પી)નો પરિવહન અને સંગ્રહ ખર્ચ બહુ ઓછો છે. ખેડૂતો નેનો ફર્ટિલાઈઝરને થેલીમાં રાખીને સરળતાથી ખેતર સુધી લઈ જઈ શકે છે. નેનો યુરિયા નાની બોટલમાં ઉપલબ્ધ હોવાથી તેના સ્ટોરેજ માટે મોટા વેરહાઉસની પણ જરૂર નથી પડતી.
નેનો યુરિયા પ્લસ (પ્રવાહી)ની એક બોટલ પરંપરાગત યુરિયાની 45 કિલોની એક બોરી બરાબર હોય છે. નિષ્ણાતો અનુસાર, આનાથી ઉત્પાદન તો વધે જ છે, સાથે પાકની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. તે પરંપરાગત યુરિયાની સરખામણીમાં સસ્તું છે અને તેનાથી ખેતીનો ખર્ચ પણ ઘટી જાય છે. નેનો યુરિયાના ઉપયોગથી ખેડૂતોનો પરિવહન અને સંગ્રહનો ખર્ચ ઓછો થશે તેમજ ઉપજ વધવાની સાથે-સાથે તેમની આવકમાં પણ વધારો થશે.
સબસિડીનો ભાર ઓછો થશે, ભારત આત્મનિર્ભર બનશે
યુરિયા અને ડી.એ.પીની સ્થાનિક માંગને પહોંચી વળવા માટે સરકારને દર વર્ષે લાખો ટન યુરિયા અને ડી.એ.પીની આયાત કરવી પડે છે. ખેડૂતોને સસ્તા દરે યુરિયા અને ડી.એ.પી ઉપલબ્ધ કરાવવા માટે સરકાર મોટી સબસિડી આપે છે. નેનો યુરિયા પ્લસ અને નેનો ડી.એ.પીના ઉપયોગથી સરકારને મોટી રકમની બચત થશે, જે સબસિડીના રૂપમાં જાય છે. સરકારનો ઉદ્દેશ પરંપરાગત યુરિયાની આયાત બંધ કરીને ભારતને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો છે. નેનો ફર્ટિલાઈઝર આ દિશામાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.
નેનો ફર્ટિલાઈઝર (નેનો યુરિયા અને નેનો ડી.એ.પી) છે પર્યાવરણને અનુકૂળ
પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગના વર્તમાન યુગમાં નેનો યુરિયા (પ્રવાહી) અને નેનો ડી.એ.પી(પ્રવાહી) પર્યાવરણને અનુકૂળ ખેતી માટે ઉપયોગી છે. નિષ્ણાતોના મતે તેના ઉપયોગથી પર્યાવરણ, પાણી અને જમીનનું પ્રદૂષણ નહીં થાય. આનાથી ભૂગર્ભ જળ અને હવાની ગુણવત્તા સુધરે છે. એટલું જ નહીં, તેની કોઈ આડ અસર ન હોવાથી તે જમીનમાં પોષક તત્વોને નષ્ટ થતા બચાવવામાં મદદરૂપ છે.