આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉર્વશીબહેન પટેલ બિનહરિફ વિજયી
(પ્રતિનિધિ) દમણ, દમણ જિલ્લાના ડાભેલની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચની યોજાઈ રહેલી પેટા ચૂંટણીના ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર શ્રીમતી ઉર્વશીબહેન પટેલની એક માત્ર દાવેદારી થતાં તેમનો બિન હરિફ વિજય નિશ્ચિત બન્યો હતો. સોમવારે ઉમેદવારી પત્રકની ચકાસણી બાદ સોમવારે સત્તાવાર રીતે ચૂંટણી પંચ અને દમણ ના ડેપ્યુટી કલેકટર મોહિત મિશ્રા દ્વારા શ્રીમતી ઉર્વશીબહેન જયેશ ભાઈ પટેલને વિજેતા ઘોષિત કરીને પ્રમાણપત્ર જાહેર કર્યું હતું.
અત્રે યાદ રહે કે, આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશ પટેલે રાજીનામું આપતાં ખાલી પડેલી આ બેઠક માટે પ્રદેશ ભાજપે એક શિક્ષિત અને નવયુવાન મહિલાને દાવેદારી કરાવી મહિલા સશક્તિકરણની દિશામાં એક આવકારદાયક પહેલ કરી છે. હવે દમણ જિલ્લાની ૧૪ ગ્રામ પંચાયતો પૈકી ૯(નવ)માં મહિલા સરપંચો પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પ્રદેશ ભાજપે સરપંચ પદ માટે શિક્ષિત અને યુવા મહિલા ઉમેદવારની દાવેદારી કરાવી મહિલા સશક્તિકરણની દિશામાં કરેલી આવકારદાયક પહેલ કરી છે.
આંટિયાવાડના સરપંચ ઉર્વશી જયેશ પટેલ બિન હરીફ ચૂંટાતાં દમણ -દીવ ,દાદરા નગર હવેલી ના ભાજપ ના પ્રમુખ દીપેશ ટંડેલ તથા ભારતીય જનતા પાર્ટી તરફથી ઉર્વશી બહેન પટેલ ને પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે દમણ પ્રદેશ પ્રમુખ અસ્પી દમણીયા , ભાજપ સેક્રેટરી જીજ્ઞેશ પટેલ સહિત ભાજપ ના દરેક આગેવાનો એ શુભેચ્છાઓ આપી હતી. અને પંચાયતો ના બાકી રહેલા કામો જલ્દીથી જલ્દી પુર્ણ કરવા સુચના આપી હતી.