USમાં બંને ડોઝ લઈ ચૂકેલ લોકોને માસ્કમાંથી મુક્તિ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/mask-2.jpg)
વોશિંગ્ટન: કોરોના સામે વિશ્વના દેશો હજુ જંગ લડી રહ્યા છે, ત્યારે ઈઝરાયલ બાદ હવે અમેરિકાએ તેના નાગરિકોને માસ્ક પહેરવામાંથી આંશિક રાહત આપી છે. અમેરિકાના ફેડરલ હેલ્થ વિભાગના અધિકારીઓએ મંગળવારે જાહેરાત કરી છે કે, જાે લોકોએ વેક્સીનના બંને ડોઝ લઈ લીધા તેમને વોકિંગ કે રનિંગ કરતી વખતે, પગપાળા જવા દરમિયાન કે બાઈક ચલાવતી વખતે, ઘરના સભ્યોની સાથે હોય
ત્યારે કે નાના ફંક્શનોમાં માસ્ક પહેરવું હવે ફરજિયાત નથી. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ હવે લોકોને કોરોના વાયરસથી બચવા માસ્ક પહેરવાની સલાહ આપવાનું બંધ કરી દીધું છે. ફેડરલ હેલ્થના અધિકારીઓ અને અમેરિકાના પ્રેસિડન્ટ જાે બાઈડને ગુરુવારે અપડેટેડ સલાહની જાહેરાત કરી. તેની સાથે એ સમાચારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે, જેમાં અમેરિકાના મોટાભાગના યુવાનોને ઉનાળા સુધીમાં વેક્સીન મૂકાઈ જશે તેમ કહેવાયું હતું અને જલદી સામાન્ય જીવન પાછું આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
જાેકે, સીડીસીએ સલામતીના અન્ય પગલાં બાબતે સલાહ પણ આપી હતી. તેણે કહ્યું કે, વેક્સીન લેનારા યુવાનોએ માસ્ક પહેરી રાખવું જાેઈએ અને આઉટડોર પર્ફોર્મન્સ કે સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ, ઈન્ડોર શોપિંગ મોલ્સ અને થિયેટર્સમાં છ ફૂટના અંતરના નિયમનું પાલન કરવું જાેઈએ કેમકે ત્યાં અન્ય લોકોએ વેક્સીન લીધી છે કે નહીં તેની જાણ હોતી નથી. સાથે જ તેમને મધ્યમ અને મોટા મેળાવડા, ભીડવાળી જગ્યાઓ અને હવા-ઉજાસ ઓછા હોય તેવા સ્થળોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. વર્જિનિયા ટેકના એરોસોલ સાયન્ટિસ્ટ લિન્સે મર્રએ કહ્યું કે, હળવા પ્રતિબંધો સાથેની આઉટડોરમાં માસ્ક પહેરવા અંગેની ગાઈડલાઈનને હું આવકારું છું. તેમણે કહ્યું કે, આપણે જાણીએ છીએ કે, બંધિયાર જગ્યાઓ કરતા ખૂલ્લામાં સંક્રમણ ઓછું થાય છે,
કેમકે ખૂલ્લી જગ્યામાં વાયરસ રોકાઈ શકતો નથી તે ધીમે-ધીમે નાશ પામે છે. જાેકે, ગાઈડલાઈનમાં માસ્ક પહેરવા અંગે જે-જે સ્થિતિઓ દર્શવાઈ છે તે મૂઝવણ ઊભી કરી રહી છે. તેમણે કહ્યું કે, ‘હું તેને યાદ રાખી શકું તેમ નથી. મારે તેને કાગળ પર લખીને પાસે રાખવી પડશે. મને લાગે છે કે, તે પહેલી નજરે લાગે છે તેટલું મદદરૂપ નહીં બને. કેટલાક તજજ્ઞોનું કહેવું છે કે, આ નવી ગાઈડલાઈન ઘણી મૂઝવણ ઊભી કરનારી છે. કેમકે કોણે વેક્સીન લીધી છે
કોણે નહીં તે કઈ રીતે ખબર પડે? માસ્ક પહેર્યા વિના ફરતા લોકોને ઊભા રાખીને કોણ પૂછશે કે તેમણે વેક્સીન લીધી છે કે નહીં? અમેરિકામાં ઘણા રાજ્યો પહેલા જ માસ્કને લઈને કેટલીક છૂટછાટો આપી ચૂક્યા છે. ન્યૂયોર્ક જેવા કેટલાક રાજ્યોએ ઘરમાં અને બહાર કેટલીક સ્થિતિમાં માસ્કમાંથી મુક્તિ અપાઈ હતી પરંતુ, ભીડ હોય તેવા જાહેર સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત રાખ્યું હતું. જાેકે, વેક્સીનેશનમાં ઝડપને કારણે હવે પ્રતિબંધો હળવા કરવામાં મદદ મળી છે. અત્યાર સુધીમાં અમેરિકાના ઓછામાં ઓછા ૪૨ ટકા લોકોને વેક્સીનનનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. જ્યારે કે, ૨૯ ટકા લોકોને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે.