US ચૂંટણી માટે ફંડ આપે છે, પરંતુ ભારતને તેની જરૂર જ નથીઃ ટ્રમ્પ

અગાઉની સરકારે ૧.૮ કરોડ ડોલર આપ્યો હોવાનો નવો દાવો
સરકાર ગેરકાયદેસર ગુનેગારોને ઘરે મોકલી રહી છે તથા ગંદકી સાફ કરીને સરકારને મજબૂત બનાવી રહી છે
વોશિંગ્ટન,યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) અને અગાઉની બાઇડન સરકાર પર હુમલા ચાલુ રાખતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યાે હતો કે બાઇડન સરકારે ભારતને ચૂંટણીમાં મદદ કરવા માટે ૧.૮ કરોડ ડોલરનું ફંડ આપ્યું હતું, પરંતુ ભારતને આ ધનની કોઇ જરૂર જ નથી. ભારતને વિશ્વમાં સૌથી ઊંચી ટેરિફ ધરાવતો દેશ ગણાવી ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત અમેરિકાનો ફાયદો ઉઠાવી રહ્યું છે.
ભારતને વોટર ટર્નઆઉટ માટે ૨.૧ કરોડ ડોલરનું ફંડ આપવા બદલ USAIDની વારંવાર ટીકા કર્યા પછી કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સ (CPAC)માં ટ્રમ્પે શનિવારે જણાવ્યું હતું કે ભારતને તેની ચૂંટણીમાં મદદ કરવા માટે ૧.૮ કરોડ ડોલર. શા માટે? શા માટે જૂના બેલેટ મતપત્રો પર ન જઈએ, વોટર ID. આપણે ચૂંટણી માટે ભારતને પૈસા આપી રહ્યા છીએ. તેમને પૈસાની જરૂર નથી. તેઓ આપણો ખૂબ સારો ફાયદો ઉઠાવે છે. વિશ્વના સૌથી વધુ ટેરિફ લાદતા દેશમાં એક છે.
ભારત ૨૦૦ ટકા ટેરિફ લાદે છે અને પછી આપણે તેમને તેમની ચૂંટણીમાં મદદ કરવા માટે ઘણા પૈસા આપીએ છીએ. બાંગ્લાદેશને ૨.૯ કરોડ ડોલર આપવા બદલ USAIDની ટીકા કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં રાજકીય પ્રક્રિયાને મજબૂત કરવા અને તેમને મદદ કરવા ૨.૯ કરોડ ડોલરનું સહાય, જેથી તેઓ કટ્ટર ડાબેરી સામ્યવાદીઓને મત આપી શકે. ટ્રમ્પે અગાઉ દાવો કર્યાે હતો કે અગાઉની બાઇડન સરકાર હેઠળ યુએસએઆઈડીએ વોટર ટર્નઆઉટ માટે ભારતને ૨.૧ કરોડનું ભંડોળ ફાળવ્યું હતું.
ગેરકાયદે ઇમિગ્રન્ટના દેશનિકાલનો બચાવ કરતાં અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમની સરકાર કૌભાંડીઓ, ચીટરો, વૈશ્વિકવાદીઓ અને ડાબેરી અમલદારોને તેમના ઘેર મોકલીને ગંદકી સાફ કરી રહી છે. સરકાર ગેરકાયદેસર ગુનેગારોને ઘરે મોકલી રહી છે તથા ગંદકી સાફ કરીને સરકારને મજબૂત બનાવી રહી છે. અમેરિકાએ અત્યાર સુધી ત્રણ તબક્કામાં ભારતના ૩૩૨ નાગરિકોને ડિપોર્ટ કર્યા છે ss1