ટ્રેડ ડીલ માટે યુએસનું પ્રતિનિધિમંડળ જૂન મહિનામાં ભારત આવશે

નવી દિલ્હી, યુએસ અને ભારત વચ્ચે વચગાળાના વેપાર કરારને સાકાર કરવાના હેતુથી અમેરિકી પ્રતિનિધિ મંડળ આગામી સપ્તાહોમાં ભારતની મુલાકાત લે તેવી શક્યતા છે.
૯ જુલાઈ સુધીમાં વચગાળાના વેપાર કરાર કરવા માટે બંને દેશ સંમત થયા છે ત્યારે આ દિશામાં નક્કર પ્રગતિ સાધવાના હેતુથી અમેરિકાના અધિકારીઓની ટીમ ભારતમાં આવશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફની નીતિ અંતર્ગત ભારતના ઘરેલુ સામાન પર ૨૬ ટકા ટેરિફ લાગુ કરી છે અને તેમાં સંપૂર્ણ રાહત મેળવવાનું ભારત સરકારનું લક્ષ્ય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર સંદર્ભે વાટાઘાટો ઝડપી ગતિએ આગળ વધી રહી છે. ભારતના ચીફ નેગોશિએટર અને વાણિજ્ય મંત્રાલયના સચિવ રાજેશ અગ્રવાલે પ્રતિનિધિ મંડળ સાથે અમેરિકાની ચાર દિવસની મુલાકાત લીધી હતી. તેઓ ગત સપ્તાહે પરત ફર્યા હતા.
ગત સપ્તાહે ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ વોશિંગ્ટનમાં હતા અને અમેરિકાના કોમર્સ સેક્રેટરી હોવર્ડ લ્યુટનિકને બે વખત મળ્યા હતા. અમેરિકાએ બીજી એપ્રિલે ભારતીય સામાન પર ૨૬ ટકા ટેરિફ ઝીંકી હતી, પરંતુ બાદમાં આ નિર્ણયને ૯૦ દિવસ એટલે કે ૯ જુલાઈ સુધી મુલતવી રખાયો હતો. આમ છતાં, ભારતીય સામાન પર અમેરિકા હજુ ૧૦ ટકા ટેરિફ વસૂલી રહ્યું છે.
અમેરિકી સંસદમાં ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જાને મંજૂરી ન મળે તો પણ ટ્રમ્પ સરકાર રેસિપ્રોકલ ટેરિફમાં રાહત આપી શકે છે. બંને દેશોએ પ્રથમ તબક્કામાં સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં દ્વિપક્ષી વેપાર કરાર કરવાનો નિર્ણય લીધો છે. જેનો પાયો નાખવા માટે ૯ જુલાઈ સુધીમાં વચગાળાના કરાર કરવાનું લક્ષ્ય છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત પલટી મારી છે.
ગત શુક્રવારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી અને યુરોપના ૨૭ સભ્ય દેશો પર ૫૦ ટકા ટેરિફની ચીમકી આપી હતી. આ ટેરિફનો અમલ પહેલી જૂનથી થવાનો હતો. યુરોપીયન કમિશનના પ્રમુખ ઉરસુલા વોન ડેર લીએને રવિવારે ટેરિફ બાબતે વાટાઘાટોની ઈચ્છા દર્શાવતા ટ્રમ્પે ૯ જુલાઈ સુધી ૫૦ ટકા ટેરિફનો અમલ નહીં કરવા તૈયારી દર્શાવી છે.SS1MS