US આતંકી સોંપી શકતું હોય તો પાકિસ્તાને પણ હાફિઝ,લખવીનું પ્રત્યાર્પણ કરવું જોઈએ

અમેરિકાએ ૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ પૈકીનો એક તહવ્વુર હુસૈન રાણા ભારતને સોંપી દીધો છે
નવી દિલ્હી,અમેરિકાએ ૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ પૈકીનો એક તહવ્વુર હુસૈન રાણા ભારતને સોંપી દીધો છે ત્યારે અમેરિકાની જેમ પાકિસ્તાને પણ હાફિઝ સઈદ, સજ્જાદ મીર અને ઝકીઉર રહેમાન લખવી જેવા મોટા આતંકવાદીઓનું પ્રત્યાર્પણ કરવું જોઈએ, તેમ ઈઝરાયેલ ખાતે ભારતના રાજદૂત જે પી સિંઘે જણાવ્યુ હતું. આતંકવાદને વૈશ્વિક સમસ્યા ગણાવતા સિંઘે આતંકવાદ વિરોધી વૈશ્વિક યુતિ બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ઈઝરાયેલી ટીવી ચેનલ સાથે ઈન્ટરવ્યૂ દરમિયાન સિંઘે સ્પષ્ટપણે જણાવ્યુ હતું કે, પાકિસ્તાન સામે ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને અટકાવવામાં આવ્યું છે, તે હજુ પૂરું થયું નથી. ભારતનું આ ઓપરેશન પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓ સામે હતું.
૨૨ એપ્રિલે પહેલગામ ખાતે હુમલા અંગે તેમણે કહ્યુ હતું કે, આતંકવાદીઓએ લોકોને ધર્મ પૂછીને ૨૬ નિર્દાેષોની કતલ કરી હતી. ભારતે આતંકવાદી જૂથો અને તેમના માળખા સામે ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ પાકિસ્તાને જવાબમાં ભારતીય સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાનના ઈશારે ભારતમાં થયેલા આતંકવાદી હુમલાઓની લાંબી યાદી સંદર્ભે સિંઘે કહ્યુ હતું હતું કે, આતંકવાદના મૂળ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા છે. લશ્કર-એ-તૈયબાનો વડો મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે અને તે ખુલ્લેઆમ ફરી રહ્યો છે. આ હુમલામાં અનેક યહૂદી પણ મર્યા હતા.
અમેરિકાએ તાજેતરમાં મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ રાણાનું પ્રત્યાર્પણ કર્યું છે. મિત્રતાની શરૂઆત કરવી હોય તો પાકિસ્તાને પણ અમેરિકાની જેમ આ આતંકવાદીઓ ભારતને સોંપી દેવા જોઈએ. જો અમેરિકા આતંકવાદીઓનું પ્રત્યાર્પણ કરી શકતું હોય તો પછી પાકિસ્તાન શા માટે હાફિઝ સઈદ, લખવી, સજ્જાદ મીર જેવા આતંકવાદીઓ સોંપી શકતું નથી? તેવો સવાલ કરીને સિંઘે સ્પષ્ટતા કરી હતી કે, બંને દેશ વચ્ચે શસ્ત્ર વિરામ માટે થયેલી સમજૂતીથી આ મુદ્દો પૂરો થઈ જતો નથી. ‘ઓપરેશન સિંદૂર’ માત્ર અટકાવવામાં આવ્યું છે, તે હજુ પૂરું થયું નથી.SS1