સ્ટીલ પર ૫૦ ટકા ટેરિફના અમલથી અમેરિકામાં મોંઘવારીના ભણકારા

અમેરિકામાં સ્ટીલ-એલ્યુમિનિયમની આયાત ૫૦ ટકા ટેરિફ લાગુ
ધાતુ આધારિત પેકિંગવાળી વસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો, ખાદ્ય સામગ્રીઓ મોંઘી થશે : નિષ્ણાતો
વોશિંગ્ટન,અમેરિકામાં વિદેશથી આયાત થતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પરનો આયાત ટેરિફ ૫૦ ટકા કરાયો છે જેનો અમલ ૪ જૂનથી શરૂ થઇ ગયો હતો. જોકે ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં મોંઘવારી વધી શકે છે અને વોશિંગ મશીનથી લઇને કાર અને કેન-ટિન કે ફોઇલમાં પેક થતી ગ્રોસરીની તમામ વસ્તુઓ મોંઘી થઇ શકે છે. અમેરિકામાં અનેક ખાદ્ય વસ્તુઓ સ્ટીલ કે મેટલ કેનમાં પેક કરાય છે, હાલમાં અમેરિકામાં ટિન ઉત્પાદન કંપનીઓ વિદેશથી સ્ટીલની આયાત કરે છે. હવે જ્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમના આયાત ટેરિફ ટ્રમ્પે બમણા કરી નાખ્યા છે ત્યારે આ કંપનીઓ સ્થાનિક સ્ટીલ અને એલ્યુમિનિયમ પર નિર્ભર રહેશે જેને પગલે ખાદ્ય સામગ્રી વગેરેનો ભાવ આસમાને પહોંચશે. કેમ કે કંપનીઓ પોતાના ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખશે.
અમેરિકામાં સુપથી લઇને સુકા ખાદ્ય પદાર્થાે, સોસ વગેરેના પેકેજિંગમાં સ્ટીલ કે એલ્યુમિનિયમનો ભરપુર ઉપયોગ થાય છે. વિચિટા સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર અને વેપાર પર નિષ્ણાત ઉષા હેલીએ કહ્યું હતું કે ખાદ્ય સામગ્રીના ભાવ વધારામાં મોટો ઉછાળો આવશે. ટેરિફ વધારાની અસર સમગ્ર અમેરિકાની ઇન્ડસ્ટ્રી પર પડવા જઇ રહી છે. ટ્રમ્પે દાવો કર્યાે હતો કે અમેરિકાની સ્ટીલ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે આયાતી સ્ટીલ પરનો ટેરિફ વધારવો જરૂર હતું. અમેરિકામાં સ્ટીલ અને ઇલ્યુમિનિયમનો ઉપયોગ ખાદ્ય સામગ્રીના સંગ્રહ માટે જેમ કે ફોઇલ તરીકે પણ વપરાય છે. કેન મેન્યુફેક્ચરિંગ ઇન્સ્ટિટયૂટના પ્રમુખ રોબર્ટ બડવેએ કહ્યું હતું કે સ્ટીલ ટેરિફ બમણા કરવાથી ગ્રોસરી સ્ટોર પર કેન આધારિત ખાદ્ય સામગ્રીનો ભાવ પણ બમણો થઇ શકે છે. તાજેતરમાં અમેરિકાની સ્થાનિક ટિન સ્ટીલ ઉત્પાદન કંપનીઓનું ઉત્પાદન ઘટયું છે, તેથી ઉત્પાદકો આયાતી સ્ટીલ પર નિર્ભર છે. હવે જ્યારે સ્ટીલ પર ટેરિફ વધારો નાખ્યો છે ત્યારે તેનો સીધો બોજ કરોડો અમેરિકન નાગરિકો પર આવશે. SS1