જયપુરમાં USથી આવેલા શખ્સમાં કોરોનાનો નવો વેરિયન્ટ જાેવા મળ્યો
(એજન્સી)જયપુર, ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસનો ખતરો જાેવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના સબવેરિઅન્ટ એક્સબીબી.૧.૫એ તમામ લોકોની ચિંતા વધારી દીધી છે. આ વેરિઅન્ટના ભારતમાં ઘણા કેસો સામે આવ્યા છે.
રાજસ્થાનમાં પણ એક વ્યક્તિ ઓમિક્રોન વેરિઅન્ટના સબવેરિઅન્ટ એક્સબીબી.૧.૫થી સંક્રમિત થયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, એક્સબીબી.૧.૫ કોરોના વાયરસના અન્ય વેરિઅન્ટ કરતા ઝડપથી ફેલાય છે. જે લોકોએ રસીનો ડોઝ લઈ લીધો છે, તે લોકોને પણ આ વેરિઅન્ટથી સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે.
રાજસ્થાનમાં જયપુરનો એક વ્યક્તિ એક્સબીબી.૧.૫થી સંક્રમિત થયો છે. માહિતી મુજબ આ વ્યક્તિ ૧૯ ડિસેમ્બરે અમેરિકાથી જયપુર આવ્યો હતો. આ વ્યક્તિને ૨૨ ડિસેમ્બરે તાવ આવ્યો હતો. આ વ્યક્તિએ ૨૩ ડિસેમ્બરે તપાસ કરાવતા તે કોરોના સંક્રમિત હોવાનું સામે આવતા આ વ્યક્તિના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા,
ત્યારબાદ ૪ જાન્યુઆરીએ આ વ્યક્તિના એક્સબીબી.૧.૫ સંક્રમિત થયો હોવાની પુષ્ટિ થઈ છે. જાેકે હાલ દર્દીની સ્થિતિ ઠીક છે. રાજસ્થાનમાં એક્સબીબી.૧.૫ વેરિઅન્ટનો કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. સંક્રમિત વ્યક્તિની સંપૂર્ણ ટ્રાવેલ હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે અને આ દર્દી જે લોકોના સંપર્કમાં આવ્યો છે, તેમની પણ તપાસ કરાઈ રહી છે.
ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશોમાં કોરોનાના કેસો ઝડપથી વધ્યા બાદ દેશમાં અગમચેતીના ભાગરૂપે એલર્ટ જારી કરી દેવાયું છે.