Western Times News

Gujarati News

ક્રિમિયા પર રશિયાના કબજાને માન્યતા આપવા યુએસની તૈયારી

વોશિંગ્ટન, રશિયા અને યુક્રેન વચ્ચેની વ્યાપક શાંતિ સમજૂતીના ભાગરૂપે અમેરિકા યુક્રેનના ક્રિમિયા પ્રદેશ પર રશિયાના અંકુશને માન્યતા આપવા તૈયાર થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમેરિકાની આ તૈયારી સંકેત આપે છે કે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધવિરામ સમજૂતી માટે આતુર છે.

શાંતિ મંત્રણાથી વાકેફ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. અગાઉ શુક્રવારે ટ્રમ્પ અને અમેરિકાના વિદેશ પ્રધાન માર્કાે રૂબિયોએ જણાવ્યું હતું કે જો યુદ્ધવિરામ અંગે ઝડપથી પ્રગતિ નહીં થાય તો અમેરિકા આ અંગેના પ્રયાસો પડતા મુકશે. ૨૦૧૪ના આક્રમણ પછી રશિયાએ ક્રિમિયા પર કબજો કર્યાે હતો અને તેના અંકુશ હેઠળ લોકમત પણ લીધો હતો.

જોકે આંતરરાષ્ટ્રીય સમુદાયે હજુ સુધી ક્રિમિયા પર રશિયાના અંકુશને માન્યતા આપી નથી. હવે જો અમેરિકા આ પ્રદેશ પર રશિયાના અંકુશને માન્યતા આપશે તો તે બળના ઉપયોગ દ્વારા જમીન કબજે કરવા પર પ્રતિબંધ મૂકતા આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓનું ઉલ્લંઘન ગણાશે. જોકે આવું પગલું રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન માટે વરદાનરૂપ સાબિત થશે.

પુતિન લાંબા સમયથી ક્રિમીયામાં રશિયન સાર્વભૌમત્વની આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવા માંગે છે.યુક્રેનમાં યુદ્ધવિરામની ટ્રમ્પની દરખાસ્ત અંગે પુતિન હજુ સંમત થયા નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ મુદ્દે હજુ કોઇ અંતિમ નિર્ણય થયો નથી.

આ મુદ્દે વ્હાઇટ હાઉસ અને વિદેશ વિભાગે પણ ટીપ્પણી કરી ન હતી. ક્રિમિયા પર રશિયાના કબજાને મંજૂરી આપવા અંગેના એક પ્રશ્નના જવાબમાં અમેરિકાના અધિકારીએ પણ મંત્રણાની વિગતો આપવાનો ઇનકાર કર્યાે હતો.

યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સ્કીએ રશિયાની પોતાની જમીન સોંપવાની કોઈપણ દરખાસ્તનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે યુક્રેન ક્રિમિયા સહિત કોઈપણ પ્રદેશ પર રશિયાના કબજાનો સ્વીકાર કરશે નહીં. ઝેલેન્સ્કીએ ગુરુવારે રશિયા તરફી વલણ અપનાવવાનો ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફ પર આક્ષેપ કર્યાે હતો.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે ઈસ્ટરના તહેવાર નિમિત્તે યુક્રેન સાથે થોડાંક કલાકો માટે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આ ઉપરાંત છેલ્લાં ત્રણ વર્ષથી લડી રહેલાં બંને દેશો વચ્ચે યુદ્ધ કેદીઓની અત્યાર સુધીની સૌથી મોટી આપ-લે પણ થઈ હતી.

રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યાં અનુસાર, યુક્રેને ૨૪૬ સૈનિકો રશિયન સૈન્યને સોંપ્યાં હતાં, જ્યારે સામે પક્ષે રશિયાએ ૨૭૭ સૈનિકો યુક્રેનને પરત આપ્યાં હતાં. આ ઉપરાંત યુક્રેને તાત્કાલિક સારવારની જરૂરિયાત ધરાવતા ૧૫ સૈનિકો રશિયાને સોંપ્યા હતાં, જ્યારે સામે પક્ષે રશિયાએ ૩૧ યુક્રેનિયન સૈનિકોને યુક્રેનને સોંપ્યાં હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.