યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને અપાતી વિદેશ મદદ બંધ કરવાનો નિર્ણય લીધો
વોશિંગ્ટન, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ પાકિસ્તાનને આકરો ઝાટકો લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી જાહેર કરાયેલા આદેશ પછી પાકિસ્તાનને મળનારી તમામ વિદેશી મદદ બંધ થઈ ગઈ છે. જેના કારણે પાકિસ્તાનમાં ચાલી રહેલા કેટલાક જરૂરી પ્રોજેક્ટ અટકી ગયા છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે પાકિસ્તાનને મળનારી આર્થિક મદદની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. આ માટે સમીક્ષા થવા સુધી રોક યથાવત્ રહેશે.
આ નિર્ણયથી પાકિસ્તાનમાં યુનરાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ(યુએસએઆઈડી)ની તરફથી ચાલી રહેલા પ્રોજેક્ટ અટકી જશે. આ ઉપરાંત, એમ્બેસ્ડર્સ ફંડ ફોર કલ્ચર પ્રિઝર્વેશન દ્વારા ચાલી રહેલા પ્રોજેક્ટ પણ અટકી ગયા છે. આ અંતર્ગત પાકિસ્તાનમાં વર્તમાન ઐતિહાસિક સ્મારકોના સંરક્ષણનું કામ ચાલી રહ્યું હતું.
આ અંગે કરાંચી સ્થિત અમેરિકન કોન્સ્યુલેટે માહિતી આપતી વખતે કહ્યું કે, ‘પાકિસ્તાનને મળનારી મદદની ટ્રમ્પ સરકાર સમીક્ષા કરી રહી છે. એવામાં સમીક્ષા થવા સુધી મદદ અટકાવવાનો નિર્ણય લેવાયો છે.’સૌથી મહત્વની બાબત એ છે કે આ નિર્ણયથી તરત જ પાકિસ્તાનમાં અમેરિકાની મદદથી ચાલી રહેલા એનર્જી સેક્ટરના પાંચ પ્રોજેક્ટ બંધ થઈ ગયા છે.
આ પ્રોજેક્ટોમાંથી એક પાકિસ્તાન ક્લાઇમેટ ફાઈનાન્સિંગ એક્ટિવિટી છે તો બીજો પ્રોગ્રામ ક્લીન એનર્જી સાથે જોડાયેલો છે. એટલું જ નહીં, પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ગતિ આપનાર ચાર પ્રોજેક્ટની કામગીરી પણ અટકી ગઈ છે. એમાં એક સોશ્યલ પ્રોટેક્શન એક્ટિવિટી પ્રોગ્રામ ૨૦૨૫ના અંત સુધી સંપન્ન થવાનો હતો.
અમેરિકાના નિર્ણયથી હેલ્થ, એગ્રિકલ્ચર, રોજગાર, ખાદ્ય સુરક્ષા, પૂર, હવામાન અને શિક્ષણ સંબંધિત કેટલાક પ્રોજેક્ટ પર પણ ખતરો પેદા થયો છે. એ પણ સ્પષ્ટ છે કે ટ્રમ્પના આ નિર્ણયથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થશે.SS1MS