Western Times News

Gujarati News

ઈરાન સાથે તેલના કથિત કારોબાર મામલે અદાણી જૂથ સામે USની તપાસ

USએ મુકેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી ઈરાન સાથે વેપાર કરવાનો આરોપ

અહેવાલમાં જણાવ્યાં અનુસાર, ગુજરાતના મુંદ્રા અને ઈરાનના અખાત વચ્ચે ટેન્કર્સની હેરફેર જોવા મળી છે

વોશિંગ્ટન, હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા કરાયેલાં આક્ષેપો બાદ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીના અદાણી જૂથ વિરુદ્ધ વધુ એક આક્ષેપ મુકાયો છે. અમેરિકા દ્વારા મુકાયેલાં પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી ઈરાન સાથે કથિત રીતે કારોબાર કરવા મામલે અમેરિકાના ન્યાય વિભાગે અદાણી જૂથની કંપનીઓની તપાસ હાથ ધરી હોવાનું એક અખબારી અહેવાલમાં જણાવાયું છે. અહેવાલમાં જણાવ્યાં અનુસાર, ગુજરાતના મુંદ્રા અને ઈરાનના અખાત વચ્ચે ટેન્કર્સની હેરફેર જોવા મળી છે. પ્રતિબંધોનું ઉલ્લંઘન કરનારા જહાજો દ્વારા મોટાભાગે આ રૂટનો ઉપયોગ કરતો હોવાનું નિષ્ણાતોનું માનવું છે.

અદાણી જૂથના પ્રવક્તાએ આ મામલે રદિયો આપતાં જણાવ્યું હતું કે, પ્રતિબંધોનું ઉલ્લંઘન કરતી કોઈ પણ પ્રવૃત્તિ કે ઈરાનમાં ઉત્પાદિત એલપીજીના કારોબારમાં કંપની સામેલ હોવાના અહેવાલનો અમે ભારપૂર્વક રદિયો આપીએ છીએ. એટલું જ નહીં પરંતુ, આ મામલે અમેરિકાના કોઈ વિભાગ દ્વારા અમારી સામે તપાસ શરૂ કરાઈ હોવાની બાબત અંગે અમને કોઈ જાણ નથી. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત મે મહિનામાં જણાવ્યું હતું કે, ઈરાનના ઓઈલ કે પેટ્રોકેમિકલ્સના તમામ ઉત્પાદનોની ખરીદી બંધ થવી જોઈએ. જે કોઈ દેશ કે વ્યક્તિ તેની પાસેથી ખરીદી કરશે તેની પર પ્રતિબંધો લાદવામાં આવશે. થોડાં મહિનાઓ પૂર્વે અમેરિકા દ્વારા ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી પર વીજ સપ્લાયના કોન્ટ્રાક્ટ માટે કથિત રીતે લાંચ ચૂકવવાના અને અમેરિકામાં ભંડોળ ઉભું કરવાની પ્રક્રિયા દરમિયાન ત્યાંના રોકાણકારોને ગેરમાર્ગે દોરવાના આક્ષેપો મુકવામાં આવ્યાં હતાં. જોકે અદાણી જૂથે તેની વિરુદ્ધના આક્ષેપોને પાયાવિહોણાં કહી ફગાવી દીધાં હતાં અને કાનૂની રાહે લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યાે હતો. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.