ગેરકાયદે ઈમિગ્રેશનને ગમે તેમ ડામવા યુએસની તૈયારી

વોશિંગ્ટન, અમેરિકાએ તાજેતરમાં તેની મેક્સિકો બોર્ડર પર એકઠા થયેલા ઈમિગ્રન્ટ્સને પકડવા માટે સખત પગલાં લીધા છે. તેના કારણે તાજેતરમાં બોર્ડર પર ઈલિગલ ઈમિગ્રન્ટ્સની સંખ્યા ઘટી ગઈ છે.
હવે અમેરિકાએ લીગલ ઈમિગ્રેશન માટે ચાર બોર્ડર ક્રોસિંગ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે જેને તાજેતરમાં બંધ કરી દેવાયા હતા. અમેરિકા આવતીકાલે એટલે કે ગુરુવારે ટેક્સાસના ઈગલ પાસ, એરિઝોનામાં બે ક્રોસિંગ અને કેલિફોર્નિયામાં સેન ડિયેગો પાસે એક ક્રોસિંગ ખોલશે જ્યાંથી કાયદેસર લોકો એન્ટ્રી કરી શકશે.
ઓથોરિટીએ જણાવ્યું કે ૪ જાન્યુઆરીએ યુએસ-મેક્સિકો બોર્ડર પર ચાર ક્રોસિંગ ખોલવામાં આવશે. ડિસેમ્બર મહિનામાં અહીં ગેરકાયદે ઈમિગ્રન્ટની સંખ્યા એટલી વધી ગઈ હતી કે એક સમયે રોજના ૧૧,૦૦૦ લોકો ઝડપાતા હતા. કેટલાક અધિકારીઓએ કહ્યું કે પકડાયેલા લોકોની સંખ્યા રેકોર્ડ હાઈ સપાટી પર પહોંચી ગઈ છે.
ગયા અઠવાડિયે સ્થિતિ એટલી ગંભીર હતી કે મેક્સિકો અને યુએસના અધિકારીઓએ સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે. મેક્સિકોએ તાજેતરમાં ઈમિગ્રન્ટ સામે સખત હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. તેમાં કેટલાક લોકોને પકડીને સાઉથ મેક્સિકો મોકલી દેવાયા હતા અને હજારો લોકોને વેનેઝુએલાની ફ્લાઈટમાં બેસાડીને ડિપોર્ટ કરી દેવાયા હતા.
છેલ્લા બે અઠવાડિયામાં અમેરિકન બોર્ડર ઓથોરિટી દ્વારા રોજના સરેરાશ ૬૪૦૦ ઈલિગલ ઈમિગ્રન્ટ્સને પકડવામાં આવ્યા છે. ક્રિસમસ અગાઉ આ આંકડો બહુ વધારે હતો પરંતુ હવે થોડી સંખ્યા ઘટી છે. એક અધિકારીએ કહ્યું કે ઇલિગલ ઈમિગ્રન્ટની સંખ્યામાં ઓચિંતો વધારો થાય તો પણ અમે તેને હેન્ડલ કરવા માટે સજ્જ છીએ.
અમેરિકામાં રાજકારણીઓ મેક્સિકો સાથે હાથ મિલાવીને ગેરકાયદે ઈમિગ્રન્ટને દૂર રાખવાનું વિચારે છે. ઉદાહરણ તરીકે યુક્રેનથી પણ ઘણા ઈમિગ્રન્ટ આવી રહ્યા છે તેથી અમેરિકાએ યુક્રેનને વધારે મિલિટરી સહાય આપવાનું નક્કી કર્યું છે જેથી તેઓ અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ ન કરે. આ ઉપરાંત બીજા દેશોને પણ વિદેશી સહાય કરશે જેથી તેઓ પોતાના લોકોને અમેરિકા આવતા રોકી શકે.
ડિસેમ્બરના અંતમાં અમેરિકન બોર્ડર પર સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી હતી કારણ કે લગભગ ત્રણ લાખ લોકો બોર્ડર તરફ આગળ વધી રહ્યા હતા. તેમની બધાની યોજના ગમે તેમ કરીને અમેરિકામાં ઘૂસી જવાની હતી. ૨૦૨૩ના છેલ્લા મહિનામાં ત્રણ લાખથી વધુ લોકોએ અમેરિકામાં એન્ટ્રી પોઈન્ટ પરથી ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. તેમાંથી ૫૦,૦૦૦ લોકો તો અમેરિકામાં ઘૂસી જવામાં સફળ પણ થયા હતા.
એક્સપર્ટ્સનું માનવું છે કે એશિયા, આફ્રિકા અને મિડલ ઈસ્ટના સૌથી વધુ લોકો બોર્ડર પર આવે છે. તેઓ શરણ માંગીને કાયદેસર રીતે પ્રવેશવા પ્રયાસ કરે છે અથવા તો ગેરકાયદે ઘૂસણખોરી કરે છે. આ સમસ્યાથી ત્રસ્ત થઈ ગયેલા અમેરિકાએ ગયા અઠવાડિયે પોતાના વિદેશમંત્રીને મેક્સિકો મોકલ્યા હતા અને આ સમસ્યાનો ઉકેલ લાવવા વાતચીત કરી હતી.
અમેરિકામાં પ્રવેશવા માટે ભારતીયો ઘણા પ્રયાસ કરે છે તે વાત જાણીતી છે. પરંતુ અમેરિકાથી નજીક આવેલા દેશોની નબળી અર્થવ્યવસ્થાના કારણે પણ સ્થિતિ ગંભીર બની છે.
ઉદાહરણ તરીકે એક સમયે ઓઈલના ઉત્પાદનમાં અગ્રણી ગણાતો વેનેઝુએલા છેલ્લા એક દાયકાથી સંકટમાં છે. તેના કારણે ૮૦ લાખ લોકો દેશ છોડીને ભાગ્યા છે જેમાંથી કેટલાક લોકોએ અમેરિકામાં ઘૂસવા પ્રયાસ કર્યો છે. સાઉથ અમેરિકાના કોલંબિયા જેવા દેશોમાં પણ વેનેઝુએલાના ઘણા લોકોને આશરો મળ્યો છે. બીજી તરફ અમુક લોકો જંગલનો અત્યંત ખતરનાક રસ્તો કાપીને અમેરિકામાં પ્રવેશી ગયા છે.SS1MS