અમેરિકાએ ઇરાન પાસેથી જપ્ત કરેલા શસ્ત્રો યુક્રેનને મોકલ્યા
રશિયા સામેના યુદ્ધમાં યુક્રેન અન્ય દેશો પાસેથી શસ્ત્રોની માંગ કરી રહ્યું છે
શસ્ત્રોની તંગીનો દાવો કરતા યુક્રેનને ૫,૦૦૦ AK-47, દારુગોળાનો પુષ્કળ જથ્થો મળશે
વોશિંગ્ટન, રશિયા સામેના યુદ્ધમાં યુક્રેન પશ્ચિમના દેશો પાસેથી સતત શસ્ત્રોની માંગ કરી રહ્યું છે ત્યારે અમેરિકાએ ઇરાન પાસેથી જપ્ત કરેલી ૫,૦૦૦થી વધુ એકે-૪૭ રાઇફલ્સ, રોકેટ લોન્ચર્સ અને પુષ્કળ પ્રમાણમાં દારુગોળો યુક્રેનને મોકલ્યો છે. કોંગ્રેસ યુક્રેન માટે વધુ નાણાકીય સહાયની મંજૂરી ન આપે ત્યાં સુધી અમેરિકા યુક્રેનને વધુ શસ્ત્રો પહોંચાડી શકે તેમ નથી. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે, “અમેરિકન સરકારે ૪ એપ્રિલે યુક્રેનના સશસ્ત્ર દળોને ૫,૦૦૦ એક-૪૭, સ્નાઇપર રાઇફલ્સ, મશિન ગન્સ અને દારુગોળાના પુષ્કળ જથ્થો પહોંચાડ્યો હતો.
યુક્રેનને મોકલવામાં આવેલી સામગ્રી લગભગ ૪,૦૦૦ સૈનિકોની એક બ્રિગેડ માટે પૂરતી છે. આ શસ્ત્રો રશિયા સામે લડવામાં યુક્રેનને મદદ કરશે.” ઉલ્લેખનીય છે કે, અમેરિકન સરકારે ૧ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ઇરાનના ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી) પાસેથી આ શસ્ત્રો કબજે કર્યા હતા. નિવેદનમાં જણાવ્યા અનુસાર “૨૨ મે, ૨૦૨૧થી ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધીના ગાળામાં ચાર અલગ કાર્યવાહીમાં શસ્ત્રો કબજે કરાયા હતા.” મીડિયાના અહેવાલ મુજબ અમેરિકાએ ઓક્ટોબરમાં ઇરાન પાસેથી મેળવેલો ૧૦ લાખ રાઉન્ડનો દારુગોળો યુક્રેનના લશ્કરને મોકલ્યો હતો.
એક વર્ષમાં અમેરિકન નેવીએ ઇરાન દ્વારા જહાજ મારફતે યમનના હુથી બળવાખોરોને મોકલાતા શસ્ત્રો કબજે કર્યા છે. જેમાં ઇરાનની હજારો એસોલ્ટ રાઇફલ્સ અને ૧૦ લાખ રાઉન્ડથી વધુ દારુગોળાનો સમાવેશ થાય છે. એક વર્ષથી બાઇડેન સરકાર જપ્ત કરાયેલા શસ્ત્રો કાયદાકીય રીતે યુક્રેનના લશ્કરને મોકલવા સક્રિય છે. ઇરાન પાસેથી જપ્ત કરાયેલા શસ્ત્રો અમેરિકાની અખાતી દેશોમાં આવેલી સેન્ટ્રલ કમાન્ડની ઓફિસોમાં રાખવામાં આવ્યા છે.
આઇઆરજીસી દ્વારા યમનના હુથી બળવાખોરોને મોકલાયેલા શસ્ત્રો યુનાઇટેડ નેશન્સ કાઉન્સિલ રિઝોલ્યુશન ૨૨૧૬નું ઉલ્લંઘન હતું. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે, “અમે સાથી પક્ષો અને મિત્રો સાથે મળીને ઇરાન દ્વારા મોકલાતા શસ્ત્રોને અટકાવવા સક્રિય છીએ. સશસ્ત્ર બળવાખોર જૂથોને ઇરાનનો ટેકો આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સુરક્ષા માટે જોખમ છે. ઉપરાંત, એ વિસ્તારમાં અમારા લશ્કર, રાજદ્વારી અધિકારીઓ અને નાગરિકો માટે પણ તે ખતરો ઊભો કરે છે. અમે ઇરાનની આ પ્રવૃત્તિ અટકાવવા શક્ય તમામ પ્રયાસો કરીશું.”ss1