ઘૂસણખોરી અટકાવવા અમેરિકા મેક્સિકો બોર્ડર પર નવી ડિઝાઈનની દિવાલ બનાવશે
અમેરિકાએ બોર્ડર વોલમાં નવા પ્રયોગો કરવા વિચાર્યું છે-સરહદ નજીક મુવેબલ દિવાલ બંધાશેઃ પર્યાવરણવાદીઓની ફરિયાદ છે કે તેનાથી વન્ય સૃષ્ટિને નુકસાન થઈ શકે છે
વોશિંગ્ટન, અમેરિકામાં બોર્ડર પરથી ઘૂસી આવતા ગેરકાયદે ઈમિગ્રન્ટની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. મેક્સિકોની સરહદ પર દિવાલ બાંધીને બહારના લોકોને અટકાવવાનો પ્લાન ડોનાલ્ડ ટ્રમ્પે ઘડ્યો હતો અને જાે બાઈડન તેને આગળ વધારી રહ્યા છે. હવે બાઈડને એક ખસેડી શકાય તેવી મુવેબલ વોલ દિવાલ બાંધવાની યોજના બનાવી છે જેનો પર્યાવરણવાદીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. બાઈડનનો પ્લાન છે કે સાઉથ ટેક્સાસમાં મેક્સિકોની સરહદ નજીક એક એવી દિવાલ બાંધવામાં આવે જેને જરૂર પ્રમાણે ખસેડી પણ શકાય. પરંતુ પર્યાવરણવાદીઓ અને અમેરિકન સરહદને વધુ કડક બનાવવાની હિમાયત કરનારાઓ આ પ્લાનનો વિરોધ કરે છે.
અમેરિકાએ સ્ટાર કાઉન્ટીમાં લગભગ ૩૨ કિમી લાંબા નવા બેરિયર બનાવવાનો વિચાર કર્યો છે. આ માટે લોકોના ઈનપુટ મગાવવામાં આવ્યા છે. બાઈડનના વહીવટીતંત્રે પર્યાવરણ અને ચોક્કસ પ્રજાતિઓનું રક્ષણ કરતા ૨૬ ફેડરલ કાયદા રદ કરી દીધા જેથી બાંધકામની પ્રોસેસ ઝડપથી થઈ શકે. બાઈડનના વિરોધીઓનું કહેવું છે કે આવી દિવાલનો કોઈ ફાયદો નથી. કારણ કે અમેરિકાની સુરક્ષા કરવામાં આ દિવાલ એક ડાઉનગ્રેડ સમાન હશે.
અમેરિકામાં અત્યારે સાઉથની બોર્ડર પરથી સૌથી વધુ સંખ્યામાં માઈગ્રન્ટ્સ આવી રહ્યા છે. તેઓ મોટા ભાગે લેટિન અમેરિકાના જંગલોમાંથી પસાર થઈને બોર્ડર સુધી પહોંચે છે અને તેમાં ભારત સહિતના દેશોના લોકો હોય છે. તેઓ મોટા ભાગે શરણાર્થી તરીકે અમેરિકામાં ઘૂસવા માંગતા હોય છે. તેમને રોકવા માટે વધુ દિવાલોનું કન્સ્ટ્રક્શન શરૂ થયું છે. એક્સપર્ટ માને છે કે જાે બોઈડન જે મુવેબલ દિવાલો બાંધવા માંગે છે તે નકામી હશે કારણ કે લોકો તેમાંથી સહેલાઈથી ઘૂસી જશે. બીજી તરફ પર્યાવરણવાદીઓ માને છે કે આવી દિવાલથી અહીંના પ્રાણીઓ માટે ખતરો પેદા થશે જેમને એક વિસ્તારમાંથી બીજા દેશમાં જવું જરૂરી હોય છે.
બાઈડનનું કહેવું છે કે આવી દિવાલ બાંધવી જરૂરી છે અને ટ્રમ્પના સમયમાં તેના માટે ફંડ પણ ફાળવવામાં આવ્યું હતું. હાલમાં મેક્સિકો બોર્ડર પર જે દિવાલો અથવા બેરિયર બનાવવામાં આવ્યા છે તે ટ્રમ્પના કાર્યકાળમાં અને અગાઉ જ્યોર્જ ડબલ્યુ બુશના કાર્યકાળમાં બન્યા છે. આવી દિવાલોમાં નોર્માન્ડી ટાઈપના ફેન્સિંગ કરવામાં આવે છે જે દેખાવમાં એક્સ જેવા હોય છે અને તેમાં કાંટાળા તાર બાંધવામાં આવેલા હોય છે.
જાેકે, બાઈડન જે દિવાલ બનાવવા માંગે છે તેમાં ૫.૫ થી ૯ મીટરની કોન્ક્રીટની પેનલ હશે જેની અંદર સ્ટીલ ભરવામાં આવ્યું હશે. આવા બ્લોકને જરૂર પડે ત્યારે ખસેડી શકાશે.
અમેરિકાએ ઉંચી દિવાલો બાંધીને આફ્રિકન, એશિયનો અને લેટિન અમેરિકાના ગેરકાયદે ઘૂસણખોરોને રોકવાનો પ્રયાસ કર્યો છે છતાં તેમાં સંપૂર્ણ સફળતા નથી મળી.
એજન્ટોએ આવી દિવાલોમાં છીંડા શોધી લીધા છે જેમાંથી સેંકડો લોકોને અમેરિકામાં ઘૂસાડવામાં આવે છે. કેટલાક લોકો દિવાલો ઉપરથી કૂદીને જવાનો પ્રયાસ પણ કરે છે જેમાં અમુકને સફળતા મળે છે તો અમુક નીચે પટકાઈને ગંભીર ઈજા પામે છે અથવા માર્યા જાય છે. અમેરિકામાં રિયો ગ્રાન્ડ વેલી એરિયામાં સૌથી વધુ ઘૂસણખોરી જાેવા મળી છે.