સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરશો તો યુએસ વિઝા રદ્દ થશે

વોશિંગ્ટન, અમેરિકાના વિઝા લેવાનું વિચારી રહ્યાં હોવ તો તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટનું ખાસ ધ્યાન રાખજો. સોશિયલ મીડિયા પર તમે કરેલી એક પોસ્ટથી તમારા વિઝા અટકી જશે અથવા તો રદ્દ થઈ જશે.
અમેરિકાના પ્રમુખ તરીકે બીજી વખત ચૂંટાઈ આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક આશ્ચર્યજનક નિર્ણયો લઈ રહ્યાં છે. રાષ્ટ્રપ્રમુખ બન્યાના ગણતરીના દિવસોમાં જ ટ્રમ્પે સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર અમેરિકાની નિંદા કરનાર કે તેની ટીકા કરનારાઓનો વિઝા રદ્દ કરવાની ચીમકી આપી હતી.
હવે અમેરિકન સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ દ્વારા આ બાબતની સત્તાવાર રીતે જાહેર કરાઈ છે. યુએસસીઆઈએસ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, તેઓ વિઝા માટે અરજી કરનારા અને ઈમિગ્રન્ટ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટની ચકાસણી કરશે અને જેમણે પોતાના એકાઉન્ટ્સમાં એન્ટિ-સેમિટિક (યહુદીઓ વિરોધી) કોમેન્ટ્સ કરી હશે તેમના વિઝા કે રેસિડેન્સી પરમિટ રદ્દ કરવામાં આવશે.
આ નીતિ તાત્કાલિક અસરથી અમલી બનાવાઈ છે અને તે સ્ટુડન્ટ વિઝા તથા ગ્રીન કાડ્ર્સ માટેની અરજીઓ પર લાગુ થશે. ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીઝના મદદનીશ સચિવ ટ્રિસિઆ મેકલાફલિને જણાવ્યું હતું કે, આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવનારા દુનિયાના લોકો માટે અમેરિકામાં કોઈ જગ્યા નથી. તેમને અહીં આવવા દેવા કે અહીં રહેવા દેવા અમે બંધાયેલા નથી.
યુએસસીઆઈએસના જણાવ્યાં અનુસાર એન્ટિ-સેમેટિક પોસ્ટ્સમાં અમેરિકા દ્વારા ત્રાસવાદી જાહેર કરાયેલા હમાસ, હેઝબોલ્લા તથા હુથી જેવા આતંકવાદી જૂથોનું સમર્થન કરતી પોસ્ટ્સનો સમાવેશ થાય છે. ફેસબુક, એક્સ અથવા ઈન્સ્ટાગ્રામ સહિતના કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની આવી પોસ્ટ્સ પર ચાંપતી નજર રાખવામાં આવશે.SS1MS