ગુજરાત ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા ઉત્પાદનમાં ઝડપથી પ્રગતી કરી રહ્યુ છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અમેરિકાના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ શ્રી માઈક હેન્કીની શુભેચ્છા મુલાકાત
ગાંધીનગર, 25 એપ્રિલ 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત મુંબઈમાં અમેરિકાના કોન્સ્યુલ જનરલ શ્રીયુત માઈક હેન્કીએ ગાંધીનગરમાં લીધી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ સૌજન્ય મુલાકાતમાં શ્રી હેન્કીએ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે અમેરિકાની સહભાગીતાનો ઉલ્લેખ કર્યો હતો.
આ બેઠક દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા ઉત્પાદન અને નિકાસમાં વૈશ્વિક કેન્દ્ર બનવાના ઉદ્દેશ્ય સાથે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. આ ઉપરાંત તેમણે ફાર્મા, સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી સહિતના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતમાં રહેલી સંભાવનાઓની પણ ચર્ચા કરી હતી.
કોન્સ્યુલ જનરલ શ્રી માઈકે પણ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024માં અમેરિકાની ભાગીદારી અને પરસ્પર સહયોગના મુદ્દે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ ભવિષ્યમાં આર્થિક અને ટેક્નોલોજિકલ સહયોગને વિસ્તારવા અંગે ચર્ચા કરી હતી.
આ મહત્વપૂર્ણ મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી મનોજકુમાર દાસ, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ તથા ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.