Western Times News

Gujarati News

સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાની ઈકોનોમીએ સારો દેખાવ કર્યો

એક મહિનામાં નવી ૨.૫૪ લાખ જોબ ઉમેરાઈ

વોશિંગ્ટન, અમેરિકાની ઈકોનોમી કેવી સ્થિતિમાં છે તેનો અણસાર તેની જોબ માર્કેટ પરથી મળતો હોય છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં ઈકોનોમીએ સારો દેખાવ કર્યો છે અને તેના કારણે અર્થતંત્રમાં ૨.૫૪ લાખ નવી જોબ ઉમેરાઈ હતી. ઈકોનોમી માટે અગાઉની જે અપેક્ષાઓ હતી તેના કરતા પણ સારો દેખાવ જોવા મળ્યો છે.

બ્યૂરો ઓલ લેબર સ્ટેટિસ્ટિક્સના ડેટા પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં એમ્પ્લોયર્સે લગભગ અઢી લાખ કરતા વધારે જોબ ઉમેરી છે. ઓગસ્ટ મહિનામાં માત્ર ૧.૬૦ લાખ નવી જોબ ઉમેરાઈ હતી તેથી આ પરફોર્મન્સ ઘણું સારું કહી શકાય. અર્થશાસ્ત્રીઓને ધારણા હતી કે સપ્ટેમ્બરમાં ૧.૪૦ લાખ જોબ ઉમેરાશે, પરંતુ વાસ્તવિક આંકડો ૨.૫૪ લાખનો આવ્યો છે.

બીએલએસના રિપોર્ટ અનુસાર યુએસમાં બેરોજગારીનો દર ૪.૨ ટકાથી ઘટીને ૪.૧ ટકા થયો છે. બોસ્ટન કોલેજના ઈકોનોમિસ્ટ અને પ્રોફેસર બ્રાયન બેથ્યુને જણાવ્યું કે જુલાઈ અને ઓગસ્ટમાં નબળો દેખાવ હતો અને તેની તુલનામાં સપ્ટેમ્બરમાં બાઉન્સ બેક જોવા મળ્યો છે. આપણે હજુ યોગ્ય માર્ગ પર છીએ. ઈકોનોમીનું વિસ્તરણ થતું જાય છે અને આપણે સોફ્ટ લેન્ડિંગ કરીએ તેવી પ્રબળ શક્યતાઓ છે.

અમેરિકામાં સપ્ટેમ્બર મહિનામાં સર્વિસ સેક્ટરનો દેખાવ સારો રહ્યો હતો જેમાં ૭૧,૭૦૦ નવી જોબ ઉમેરાઈ હતી. જ્યારે લિઝર અને હોસ્પિટાલિટી ઉદ્યોગે ૭૮,૦૦૦ નવી જોબ ઉમેરી હતી. સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં જ કુલ મળીને બે લાખથી વધારે જોબનો ઉમેરો થયો હતો. બીજી તરફ યુએસમાં ગૂડ્‌સનું ઉત્પાદન કરતી ઈન્ડસ્ટ્રીઝમાં નવી ભરતી ઓછી હતી.

ગયા મહિનામાં કન્સ્ટ્રક્શન સેક્ટરે ૨૫,૦૦૦ જોબનો ઉમેરો કર્યો હતો, પરંતુ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ૭૦૦૦ જોબનો ઘટાડો થયો હતો. યુએસમાં ઉંચા ફુગાવાના દિવસો પૂરા થયા હોય તેમ લાગે છે. હવે વીકનેસના કોઈ પણ સંકેત માટે એમ્પ્લોયમેન્ટના ડેટા પર નજર રાખવામાં આવશે. એક્સપર્ટ કહે છે કે ચાર વર્ષ અગાઉની સ્થિતિ સાથે સરખામણી કરવામાં આવે તો અત્યારે લેબર માર્કેટ સારી સ્થિતિમાં છે.

અમેરિકામાં હમણાં ઉપરાછાપરી બે વાવાઝોડા આવી ગયા જેણે ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે ત્યારે જોબ ગ્રોથના આંકડા રાહત આપનારા છે. હવે ફેડ માટે રેટમાં કાપ કરવાની કોઈ તાત્કાલિક અર્જન્સી નહીં રહે.

આ ઉપરાંત ફેડની પોલિસીમાં કોઈ આક્રમક ફેરફાર થવાની શક્યતા પણ ઓછી છે. હવે છઠ્ઠી નવેમ્બરે ફેડ દ્વારા પોલિસી અંગે નવો નિર્ણય લેવામાં આવશે. તેનાથી એક દિવસ અગાઉ યુએસમાં પ્રેસિડન્ટની ચૂંટણી થવાની છે. ઓક્ટોબરનો જોબ ડેટા આવે તેના પછી થોડા જ દિવસમાં ફેડની પોલિસી આવવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.