ગ્રીન કાર્ડ કાયમી નથી ? વેન્સના ધડાકાથી ભારતીયોની ઊંઘ હરામ

ગ્રીન કાર્ડ હશે તો પણ અમેરિકા છોડવું પડશે
ટ્રમ્પે ધનિકો માટે 5 મિલિયન ડોલરનું ‘ગોલ્ડ કાર્ડ’ સૂચવ્યું, તો વેન્સે ગ્રીન કાર્ડને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડ્યું
વોશિંગ્ટન,
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દેશમાં ‘ગોલ્ડ કાર્ડ’ પહેલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યા બાદ ગ્રીન કાર્ડને લઈને નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ગ્રીન કાર્ડ ધારકોના અધિકારો પર ટિપ્પણી કરતાં ભારતીયોમાં ટેન્શન વધી ગયું છે. ટ્રમ્પની આ યોજના હેઠળ ૫ મિલિયન ડોલરના ખર્ચે વિદેશી ધનિકોને આ કાર્ડ આપવામાં આવશે, જે ઇમિગ્રેશનની એક નવી રીત ખોલશે.ટ્રમ્પની આ પહેલ બાદ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે જણાવ્યું હતું કે ગ્રીન કાર્ડ ધારક હોવાનો અર્થ એ નથી કે વ્યક્તિને યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવાનો અનિશ્ચિત અધિકાર મળી જાય છે. તેમણે કહ્યું કે, “આ માત્ર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મુદ્દો નથી, પરંતુ આ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે.”
વેન્સે વધુમાં કહ્યું કે, “અમેરિકી નાગરિક તરીકે આપણે નક્કી કરવાનું છે કે આપણા રાષ્ટ્રીય સમુદાયમાં કોનો સમાવેશ થાય છે.” તેમના આ નિવેદનથી અમેરિકામાં કાયમી નિવાસની ઇચ્છા રાખતા અને ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.વેન્સે યુનાઇટેડ સ્ટેટ્સના કાયદામાં ઉલ્લેખિત અમુક સંજોગોનો પણ ઉલ્લેખ કર્યાે હતો, જેમાં ગ્રીન કાર્ડ રદ થઈ શકે છે. આમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થવું, લાંબા સમય સુધી દેશમાં હાજર ન રહેવું અને ઇમિગ્રેશનના નિયમોનું યોગ્ય પાલન ન કરવું જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેમના આ નિવેદનથી ગ્રીન કાર્ડની કાયમી રહેઠાણની સ્થિતિ અંગે અનિશ્ચિતતા વધી છે.દરમિયાન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રસ્તાવિત ‘ગોલ્ડ કાર્ડ’ પહેલ વિદેશી નાગરિકો માટે અમેરિકામાં રહેવા અને કામ કરવાનો માર્ગ ખોલશે, પરંતુ તેના માટે તેમણે ૫ મિલિયન ડોલરની મોટી રકમ ચૂકવવી પડશે.
ટ્રમ્પે તાજેતરમાં ઓવલ ઓફિસમાં કહ્યું હતું કે તેઓ ‘ગોલ્ડ કાર્ડ’ વેચવા જઈ રહ્યા છે. તેમણે આ કાર્ડને ગ્રીન કાર્ડનો જ એક પ્રકાર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેનાથી ગ્રીન કાર્ડના તમામ વિશેષાધિકારો મળશે અને અમેરિકન નાગરિકતા પ્રાપ્ત કરવાનો માર્ગ પણ સરળ બનશે.ટ્રમ્પના આ પ્રસ્તાવ અને વેન્સના નિવેદનથી અમેરિકામાં ઇમિગ્રેશન નીતિઓમાં મોટા ફેરફારોની સંભાવના વધી ગઈ છે, જેના કારણે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા અને હાલમાં ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયોની ચિંતામાં વધારો થયો છે. હવે જોવાનું એ રહેશે કે આ નવી પહેલ અને ચર્ચાઓ ઇમિગ્રેશન પ્રક્રિયા પર કેવી અસર કરે છે. SS1