અમેરિકામાં બરફવર્ષાને કારણે ૧,૪૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ
અમેરિકામાં બરફવર્ષાથી ૩૦ જેટલાં રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત-કેન્ટુકી, ઇન્ડિયાના, વર્જિનિયા, વેસ્ટ વર્જિનિયા, ઇલિનોઇસ અને મિસૌરીમાં લાખો લોકો વીજળી કાપને કારણે અંધારપટમાં છે.
(એજન્સી)નવી દિલ્હી, અમેરિકામાં ભારે હિમવર્ષા, પવનને કારણે આકરી ઠંડી પડી રહી છે. જેની અસર અમેરિકાના મધ્ય અને ઉત્તર ભાગોમાં વધુ થઇ છે. જેને કારણે અનેક રાજ્યોમાં સ્કૂલો અને સરકારી ઓફિસોને બંધ રાખવાની ફરજ પડી છે.
૩૦ જેટલા રાજ્યોના ૧૦ કરોડથી વધુ લોકો આકરી ઠંડીના ઓથાર હેઠળ છે. ૧,૪૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઇ છે. ૭૪૦ વિમાનોની મુસાફરી વિલંબમાં મુકાઇ હતી. ૨૦૦૦થી વધુ વાહનો વિવિધ વિસ્તારોમાં ફસાયેલા છે.
કેન્સાસ, પશ્ચિમ નેબ્રાસ્કા અને ઇન્ડિયાનાના કેટલાક ભાગોમાં બરફના કારણે મુખ્ય રસ્તાઓ ઢંકાઈ ગયા હતા, જ્યાં રાજ્યોના નેશનલ ગાર્ડને ફસાયેલા વાહનચાલકોને મદદ કરવા સક્રિય કરવામાં આવ્યા હતા.
કેન્ટુકી, ઇન્ડિયાના, વર્જિનિયા, વેસ્ટ વર્જિનિયા, ઇલિનોઇસ અને મિસૌરીમાં લાખો લોકો વીજળી કાપને કારણે અંધારપટમાં છે. નેશનલ વેધર સર્વિસે કન્સાસ અને મિસૌરી માટે સ્ટોર્મ વો‹નગ્સ જારી કર્યું છે. ન્યૂ જર્સીમાં આકરી ઠંડીને કારણે એલર્ટ છે. હિમવર્ષા એટલી વધી થઇ રહી છે કે છેલ્લાં ૧૦ વર્ષનો રેકોર્ડ તૂટી જાય તેવી સંભાવના છે.
બે-તૃતીયાંશ અમેરિકામાં ખતરનાક, હાડ થીજવતી ઠંડી પડી રહી છે. તાપમાન સામાન્યથી ૭થી ૧૪ ડિગ્રી સેલ્સિયસ નીચે પહોંચ્યું છે. ઉત્તર-પૂર્વના રાજ્યોમાં અનેક દિવસો સુધી આકરી ઠંડી રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ઇન્ડિયાના, વર્જિનિયા, કેન્ટુકી, મિસોરી અને કન્સાસમાં સ્કૂલો બંધ કરવાની જાહેરાત કરાઇ છે. મેરિલેન્ડમાં પણ વર્ગાે રદ કરાયા છે. સરકારી ઓફિસો પણ બંધ રાખવાની જાહેરાત કરાઇ છે. માત્ર મિસૌરીમાં જ ૬૦૦થી વધુ વાહનો ફસાયા છે.