શું ગેરકાયદેસર રહેતાં લાખો ભારતીયોને અમેરિકાથી પાછા ફરવું પડશે?
વોશિંગ્ટન, અમેરિકામાં ચોરી અને હિંસક ગુનામાં સંડોવાયેલા અને ગેરકાયદે રહેતા લોકો સામે ટૂંકસમયમાં તવાઈ આવશે. સંસદે આવા લોકોની અટકાયત અને દેશનિકાલ કરવા માટેના એક કઠોર ઇમિગ્રેશન ડિટેન્શન બિલને મંજૂરી આપી છે. બીજી ટર્મમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર થનારો તે પ્રથમ કાયદો બનશે. આ કાયદાને કારણે અમેરિકામાં ગેરકાયદેસરરીતે રહેતા લાખો ભારતીયોને અસર થશે.
આ કાયદા હેઠળ ફેડરલ સત્તાવાળાએ સ્ટોરમાંથી ઉઠાંતરી જેવા સામાન્ય ગુનાનો આરોપ ધરાવતા ઇમિગ્રેન્ટની પણ ધરપકડ કરીને અટકાયતમાં રાખવા પડશે. આ ઉપરાંત પોલીસ ઓફિસર પર હુમલાના આરોપી કે ઘાયલ કરવા કે હત્યા કરવા જેવા ગુનામાં સંડોવાયેલા લોકોની ધરપકડ થશે અને દેશનિકાલ કરાશે. અમેરિકાના પ્રતિનિધિગૃહમાં આ બિલને ૨૬૩ વિરુદ્ધ ૧૫૬ મતોથી બહાલી મળી હતી.
ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી ઉપરાંત ૪૬ ડેમોક્રેટિક સાંસદોએ પણ તેને સમર્થન આપ્યું હતું. જ્યોર્જિયાના ૨૨ વર્ષીય ન‹સગ વિદ્યાર્થી પરથી આ બિલને લેકેન રિલે એક્ટ નામ આપવાનું આવ્યું છે. આ વિદ્યાર્થીની ગયા વર્ષે વેનેઝુએલાના એક વ્યક્તિએ ઘાતકી હત્યા કરી હતી. આ સપ્તાહની શરૂઆતમાં સેનેટે તેને ૬૪-૩૫ મતથી મંજૂરી આપી હતી, જેમાં પણ ૧૨ ડેમોક્રેટે તેની તરફેણમાં મતદાન કર્યું હતું.
સંસદના બંને ગૃહોમાં બહુમતી મળ્યા પછી ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ આ બિલને ટોચની પ્રાથમિકતા બનાવી હતી. લેકેન રિલે એક્ટને સંસદની મંજૂરી દર્શાવે છે કે ટ્રમ્પના વિજય પછી ઇમિગ્રેશન પરની રાજકીય ચર્ચા ઝડપથી જમણેરી વિચારધારા તરફ વળી રહી છે. અગાઉ સંસદમાં ઇમિગ્રેશન અંગેના મુદ્દે વિવાદ ઊભો થતો હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે.
રિપબ્લિકન સેનેટર કેટી બ્રિટે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ દાયકામાં સંસદે ઇમિગ્રેશન અંગે મંજૂરી આપેલું આ એક સૌથી મહત્ત્વનું બિલ છે. જોકે આ બિલનો અમલ કરવા માટે યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની ક્ષમતાઓમાં મોટા પાયે વધારો કરવો પડશે. બીજી તરફ બિલમાં નવા ફંડિંગની કોઇ જોગવાઈ નથી.
બીજી તરફ નવા પ્રમુખે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ માટે મેક્સિકોની સરહદને સીલ કરવા અને અમેરિકામાં કાયમી કાનૂની દરજ્જા વિના રહેતા લાખો ઇમિગ્રન્ટ્સ્સને દેશનિકાલ ઘણા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સનો અમલ ચાલુ કર્યાે હતો. બુધવારે ટ્રમ્પે શરણાર્થીઓ પુનર્વસન પ્રોગ્રામ રદ કર્યાે હતો. ટ્રમ્પે તેમની નવી ઇમિગ્રેશન નીતિઓનો અમલ ન કરનારા સ્થાનિક અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો પણ સંકેત આપ્યો હતો.
આ બિલનો અમલ કરવા માટે ઇમિગ્રેશન ન્યાયાધીશો, ફરિયાદી અને અન્ય સ્ટાફમાં જંગી વધારો કરવો પડશે. જોકે ટ્રમ્પે સામૂહિક દેશનિકાલ હાથ ધરવા માટે સૈનિકો, તેમના બેઝ અને અન્ય સંસાધનોનો ઉપયોગ કરવાની યોજના બનાવીને તેનો પણ માર્ગ મોકળો કર્યાે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના અંદાજ મુજબ લેકેન રિલે એક્ટના અમલીકરણ માટે પ્રથમ વર્ષમાં ૨૬.૯ બિલિયન ડોલરનો ખર્ચ થશે. આ ઉપરાંત ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ ઇન્ફોર્સમેન્ટ એ ઓછામાં ઓછા નવા ૧.૧૦ લાખ ડિટેન્શન બેડ ઊભા કરવા પડશે.