અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ટૂંકમાં ભારતમાં શરૂ કરશે કેમ્પસ
(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અમેરિકાના મેરીલૅન્ડમાં સ્થિત જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે ભારતમાં તેનું કેમ્પસ સ્થાપવા અંગે ચર્ચા કરી હતી. આ પગલું ભારતમાં શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.
આ બેઠક દરમિયાન યુનિવર્સિટીની સાથે શૈક્ષણિક અને રિસર્ચ જગતમાં ભારત સાથે સહયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બેઠક દરમિયાન ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ ઊંડી રુચિને ધ્યાનમાં રાખતાં સરકારને ટૂંક સમયમાં હકારાત્મક પરિણામો મળવાની આશા છે.
આ મામલા સાથે સબંધિત અધિકારીઓએ જણાવ્યું કે, ડુઅલ અને સંયુક્ત ડિગ્રી કાર્યક્રમો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની રુચિ અને ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ભાવિ ટૅક્નોલાજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં રિસર્ચ ભાગીદારીના ક્ષેત્રો અંગે પણ ચર્ચા થઈ હતી. અમેરિકાથી ભારત આવેલી ટોચની વૈશ્વિક સંસ્થાઓનું આ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રતિનિધિમંડળ છે. તેનું નેતૃત્વ જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના અધ્યક્ષ રોનાલ્ડ જે. ડેનિયલ્સ કરી રહ્યા છે.
તેમાં ગુપ્તા ક્લિન્સકી ઇન્ડિયા ઈÂન્સ્ટટ્યુટના અધિકારીઓ પણ સામેલ છે, જે યુનિવર્સિટીની એક શાખા છે અને તે સંશોધન, શિક્ષણ અને નીતિના માધ્યમથી યુનિવર્સિટીને ભારતીય ભાગીદારો સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે.
બેઠકમાં ધર્મેન્દ્ર પ્રધાને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના લક્ષ્યો પર પણ ચર્ચા કરી હતી. નોંધનીય છે કે, જેએચયુ વૈશ્વિક સ્તરે ટોચની યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવે છે. તે સંશોધન, ચિકિત્સા અને શિક્ષણમાં પોતાના યોગદાન માટે પ્રસિદ્ધ છે. જાહેર આરોગ્ય અને બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં પોતાના અગ્રણી કાર્ય માટે ઓળખાય છે. ૧૮૭૬માં તેની સ્થાપના થઈ ત્યારથી તે વિશ્વભરમાં અગ્રણી રહી છે.