અમેરિકામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરાવતો કલોલનો એજન્ટ ઝડપાયો

સેન્ટ્રલ એજન્સીની ટીમે કબૂતરબાજીની તપાસ શરૂ કરી
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્ટ તરીકેનો સંભાળ્યો ત્યારથી જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી પર બ્રેક લાગી ગઇ છે
અમદાવાદ,
અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા અને ઘૂસણખોરી કરનાર સામે ત્યાંની સરકારે લાલઆંખ કરી છે. આટલું જ નહીં, દુનિયાભરના ઘૂસણખોરોને પરત તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે. ગુજરાતના ૭૪ સહિત સાડા ૩૫૦થી વધુ ભારતીયોને પણ પરત ભારત ડિપોર્ટ કરી દેવાયા છે. આવી પરિસ્થિતિમાં પણ કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરી કરાવનાર કલોલના એક એજન્ટ જિતુ પટેલની સેન્ટ્રલ એજન્સીએ અટકાયત કરીને તેની પૂછપરછ કરી હોવાનું જાણી શકાયું છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્ટ તરીકેનો સંભાળ્યો ત્યારથી જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી પર બ્રેક લાગી ગઇ છે.
તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. ઉપરાંત, અમેરિકામાં ઘૂસણખોરી કરીને રહેતા હજારો લોકોની યાદી તૈયાર કરી તેમને પણ પરત તેમના દેશમાં રવાના કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી કબૂતરબાજી કરતા એજન્ટો મેક્સિકોના ડંકી રૂટથી લોકોને અમેરિકામાં ઘૂસાડતા હતા. ટ્રમ્પ સરકારે મેક્સિકો બોર્ડર પર કડક તપાસ શરૂ કરી દેતાં હાલ મેક્સિકોથી થતી ઘૂસણખોરી અટકી ગઇ છે. આવી પરિસ્થિતિમાં પણ કલોલના જિતુ પટેલ નામના એજન્ટે પોતાના ક્લાયન્ટને કેનેડા બોર્ડર પરથી ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કર્યાે હતો.
ઘૂસણખોરી કરતા ઝડપાયેલા લોકોએ આ વ્યવસ્થા કલોલના જિતુ પટેલે કરી આપી હોવાની વિગતો રજૂ કરી હતી. તેને પગલે તપાસનો રેલો કલોલ સુધી પહોંચ્યો છે. સેન્ટ્રલ એજન્સીઓને આ ઇનપુટ આપવામાં આવ્યા હતા.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે કલોલના ડીંગુચાનો એક પરિવાર અમેરિકામાં ઘૂસણખોરીના પ્રયાસમાં ઠંડીમાં ઠુંઠવાઇને મૃત્યુ પામ્યો હતો. આ દુર્ઘટના બાદ કબૂતરબાજી સામે ગુજરાત સરકાર અને પોલીસે પણ તપાસ શરૂ કરી હતી. જેમા ઘણા એજન્ટોની પમ તપાસ કરવામાં આવી હતી. તપાસ ઢીલી પડતાં જ એજન્ટો સક્રિય બની ગયા હતા.