Western Times News

Gujarati News

નવા ટેરિફ જાહેર કરવાનો દિવસ અમેરિકા માટે વિદેશી વસ્તુઓથી મુક્તિનો પ્રસંગ બનશેઃ ટ્રમ્પ

બીજી તારીખે ટેરિફ અમલી બનતાં અગાઉ યુએસ પ્રમુખ પીછેહઠના મૂડમાં નથી

આપણા દેશમાં વેપાર કરનારા દેશો પાસેથી આપણે ચાર્જ લઈશું અને આપણી રોજગારી, સંપત્તિ જેવી તમામ વસ્તુઓ પરત મેળવીશું

વોશિંગ્ટન,
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે ટેરિફના નવા દર જાહેર કરવાના છે. આ દિવસ યુએસના ઈતિહાસમાં વિદેશી સામાનમાંથી મુક્તિનો પ્રસંગ બનશે, તેવો વિશ્વાસ ટ્રમ્પે જાહેર કર્યાે છે. ટ્રમ્પે નવી ટેરિફ નીતિનો અમલ કરતાં અમેરિકન પરિવારો માટે મોંઘવારી વધવાની અને આવક ઘટવાની આશંકા અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે. જો કે ટ્રમ્પ પોતાના ઈરાદામાં પીછેહઠ કરવાના મૂડમાં નથી. ટ્રમ્પે આયાતી સામાનના બદલે ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વ્હાઈટ હાઉસ ખાતે અનેક સીઈઓને આમંત્રિત કર્યા છે, જેમાં તેમને નવા ટેરિફથી બચવા માટે અમેરિકામાં જ અબજો ડોલરનું રોકાણ કરવા સંમત કરવામાં આવશે. વ્હાઈટ હાઉસ ખાતે ટોચના સીઈઓ જૂથ સાથેની બેઠકમાં ધાર્યું પરિણામ ન મળે તો ટેરિફમાં ‘જેવા સાથે તેવા’ની ટ્રમ્પ નીતિ પડતી મૂકાય તેવી શક્યતા પણ છે.

ટ્રમ્પે સીઈઓ સાથેની બેઠકમાં સકારાત્મક પરિણામ મળવાની આશા વ્યક્ત કરી છે. ટ્રમ્પે રેસિપ્રોકલ (જેવા સાથે તેવા) ટેરિફની નીતિ અમલમાં મૂકતા યુરોપિયન દેશો, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ અને ભારત સહિત અનેક દેશોમાંથી આવતી વસ્તુઓ મોંઘી બનવાની છે, જેની સીધી અસર સામાન્ય અમેરિકનના ઘરેલુ બજેટ પર થશે. ગત સપ્તાહે ટ્રમ્પે કેનેડા-મેક્સિકો પર ૨૫ ટકા ટેરિફ લાગુ કર્યાે હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા માટે આ મુક્તિ દિવસનો આરંભ છે. આપણા દેશમાં વેપાર કરનારા દેશો પાસેથી આપણે ચાર્જ લઈશું અને આપણી રોજગારી, સંપત્તિ જેવી તમામ વસ્તુઓ પરત મેળવીશું. આવા દેશો આપણા દેશમાંથી ઘણું લઈ ગયા છે અને આ બાબતમાં શત્› કરતાં મિત્રો વધારે ખરાબ રહ્યા છે. ટેરિફમાં વધારાના કારણે વાહનો મોંઘા બનવાની શક્યતા બાબતે ટ્રમ્પે કહ્યું હતું કે, વિદેશમાંથી આવતી કાર મોંઘી બનશે તો લોકો અમેરિકાની કાર ખરીદશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.