USAથી પનામા ડિપોર્ટ કરાયેલાની ચકાસણી કરાઇ રહી છેઃ વિદેશ મંત્રાલય

કોસ્ટા રિકાના કિસ્સામાં સત્તાવાર રીતે કોસ્ટા રિકાના પક્ષ તરફથી હજુ સુધી કોઇ માહિતી અપાઈ નથીં
નવી દિલ્હી, અમેરિકાએ કેટલાંક ભારતીય સહિત ૩૦૦ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પનામામાં ડિપોર્ટ કર્યા હોવાના અહેવાલ વચ્ચે ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પનામામાં ડિપોર્ટેશન ફ્લાઇટ અંગેના મીડિયામાં કેટલાંક અહેવાલ જોવા મળ્યાં છે અને સંબંધિત વ્યક્તિઓ ભારતીય નાગરિકો છે કે નહીં તે અંગે નવી દિલ્હી વિગતોને વેરિફાઇ કરી રહ્યું છે.
આ ચકાસણીની વિગતો પૂર્ણ થઈ જાય તે પછી આ ભારતીય નાગરિકોને ઘરે પાછા ફરવાની વ્યવસ્થા કરાશે.આ મુદ્દે પનામાના સત્તાવાવાળાએ ભારતનો સંપર્ક કર્યાે છે કે નહીં તેવા સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પનામા અને કોસ્ટા રિકામાં દેશનિકાલના અહેવાલ છે. કોસ્ટા રિકા અને પનામા બંને દેશનિકાલ માટે ટ્રાન્ઝિટ દેશો તરીકે સેવા આપવા સંમત થયા છે.
આ ઓપરેશનનો તમામ ખર્ચ અમેરિકા ઉઠાવે છે. દેશનિકાલ કરાયેલા લોકોને એક હોટેલમાં રખાયા છે. ત્યાં કેટલાક ભારતીય નાગરિકો હોઈ શકે છે. પનામા ખાતેનું ભારતીય મિશન સ્થાનિક સત્તાવાળાના સંપર્કમાં છે. ભારત વિગતો ચકાસી રહ્યું છે કે સંબંધિત વ્યક્તિઓ ભારતીય નાગરિકો છે કે નહીં. ભારત પનામા સરકાર સાથે વાતચીત કરી રહ્યું છે.
આપણું દૂતાવાસ નિયમિત સંપર્કમાં છે. કોસ્ટા રિકાના કિસ્સામાં સત્તાવાર રીતે કોસ્ટા રિકાના પક્ષ તરફથી હજુ સુધી કોઇ માહિતી અપાઈ નથી. દરમિયાન પનામામાં ભારતીઓના દેશનિકાલ મુદ્દે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતાં કોંગ્રેસે જણાવ્યું હતું કે મોદી દેશનિકાલ કરાયેલા લોકો સાથે આવા અમાનવીય વર્તન કરવાની મંજૂરી કેમ આપી રહ્યાં છે.આ દેશનું અપમાન છે.