USA ૩૦ સપ્ટે. સુધીમાં ૨.૮૦ લાખ ગ્રીન કાર્ડસ ઈશ્યૂ કરશે: ભારતીય ઈમિગ્રન્ટને ફાયદો
ભારતીય ઇમિગ્રન્ટ્સને ફાયદો થશે: અમેરિકામાં લેબરની અછત છે અને તેના કારણે બહારથી નવા કામદારો આવે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે
વોશિંગ્ટન, અમેરિકન ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જાેનારા લાખો ઇમિગ્રન્ટ્સનું સપનું સાકાર થવાની તૈયારીમાં છે.
અમેરિકન સરકાર હવે ધડાધડ ગ્રીન કાર્ડ ઇશ્યૂ કરી રહી છે. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં, એટલે કે અઢી મહિનાની અંદર યુએસ સરકાર દ્વારા ૨.૮૦ લાખ ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે.
૩૦ સપ્ટેમ્બરની છેલ્લી તારીખ નજીક આવી રહી છે ત્યારે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસે (USCIS) ઝડપથી કામ કરવાનું છે. તેમાં ખાસ કરીને ભારતીય અને ચાઈનીઝ ઇમિગ્રન્ટ્સને સૌથી વધુ ફાયદો થશે.
કોવિડના કારણે અમેરિકન એમ્બેસી અને કોન્સ્યુલર ઓફિસ બંધ હતી અથવા ઓછા સ્ટાફથી કામ ચલાવતી હતી. હવે તેણે ઓછા સમયમાં વધારે ગ્રીન કાર્ડ્સ ઈશ્યૂ કરવાના છે. યુએસસીઆઈએસ ૨૦૨૧ની તુલનામાં અત્યારે વીકલી ધોરણે બમણા વિઝાનો ઉપયોગ કરે છે. યુએસસીઆઈએસ દ્વારા ગયા વર્ષે ૧.૮૦ લાખ ગ્રીન કાર્ડ ઇશ્યૂ કરાયા હતા.
એમ્પ્લોયર સ્પોન્સર્ડ ગ્રીન કાર્ડ મેળવવા માટેનો વેઈટિંગ પિરિયડ ત્રણ વર્ષનો હતો, પરંતુ હવે તે લિમિટ વટાવી ગયો છે. ૨૫૦૦ ડોલરની ફી ભરવામાં આવે તો વેઇટિંગનો ગાળો સાત મહિના ઘટી જાય છે. એટલે કે ૨ વર્ષ અને ૫ મહિનામાં ગ્રીન કાર્ડ મળી જાય છે. ૨૦૧૬ પછી અમેરિકાએ એવરેજ ગ્રીન કાર્ડની પ્રોસેસમાં ૧૬ મહિના ઉમેર્યા છે. ૨૦૨૧ અને ૨૦૨૨માં એક વર્ષનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
એમ્પ્લોયર સ્પોન્સર્ડ ઈમિગ્રેશનમાં વ્યક્તિએ છ તબક્કામાંથી પસાર થવું પડે છે જેમાં એક પ્રિફાઈલિંગનો તબક્કો પણ હોય છે. તેમાં અરજકર્તા અને એમ્પ્લોયરે ગ્રીન કાર્ડ માટે લાયકાત સાબિત કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ આપવા પડે છે.
ત્યાર બાદ લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા પગાર, સ્કીલના લેવલ અને એરિયા કોડની તપાસ કરવામાં આવે છે.
વેતન નક્કી કરવા માટેનો સમયગાળો પણ ૭૬ દિવસથી વધીને ૧૮૨ દિવસ થઈ ગયો છે. એક અહેવાલ પ્રમાણે કોવિડના કારણે ગયા વર્ષમાં મંજૂરીની સરખામણીમાં ઓછા વીઝા ઇશ્યૂ થયા હતા અને લગભગ ૬૬,૦૦૦ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ વિઝા વેડફાઈ ગયા હતા. હવે ટૂંકા સમયગાળામાં ૨.૮૦ લાખ ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરવાનું ભગીરથ કામ પાર પાડવાનું છે.
અમેરિકામાં હાલમાં લેબરની અછત છે અને તેના કારણે બહારથી નવા કામદારો આવે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. એચ૧બી વિઝા અને એલ૧ વિઝા જેવા કામચલાઉ વિઝાની તુલનામાં ગ્રીન કાર્ડ અલગ ચીજ છે.
તેની મદદથી વિદેશી કામદારો ગમે તે કંપનીમાં મુક્ત રીતે નોકરીઓ કરી શકે છે અને તેનાથી તેમના યુએસ ઈમિગ્રેશનના સ્ટેટસને કોઈ અસર થતી નથી. હવે ગ્રીન કાર્ડ ઇશ્યૂ કરવા પર આપવામાં આવેલા ફોકસના કારણે સૌથી વધુ ચાઈનીઝ અને ભારતીય ઇમિગ્રન્ટ્સને તેનો ફાયદો થવાની શક્યતા છે.