Western Times News

Gujarati News

લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈપણ ધર્મનો આવશ્યક હિસ્સો નથીઃ બોમ્બે હાઇકોર્ટ

મુંબઈ, લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈપણ ધર્મનો આવશ્યક હિસ્સો ન હોવાનું અવલોકન કરી બોમ્બે હાઇકોર્ટે ધ્વની પ્રદૂષણના ધોરણો અને નિયમોનું ઉલ્લંઘન કરતા લાઉડસ્પીકર્સ સામે તાત્કાલિક પગલાં લેવા માટે સત્તાવાળાને ગુરુવારે આદેશ આપ્યો હતો.

અવાજના સ્તરને નિયંત્રિત કરવા માટે ઓટો-ડેસિબલ લિમિટ જેવા સાધનોનો ઉપયોગ કરવા માટે ધાર્મિક સંસ્થાઓને આદેશ આપવા માટે હાઇકોર્ટે રાજ્ય સરકારને તાકીદ પણ કરી હતી.

જસ્ટિસ એ એસ ગડકરી અને એસ સી ચાંડકની બનેલી ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે અવાજનું પ્રદૂષણ આરોગ્ય માટે મોટું જોખમ છે અને કોઈ એવો દાવો કરી શકે નહીં કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી ન આપવાથી તેમના અધિકારનો ભંગ થાય છે.

મુંબઇના કુર્લાની બે હાઉસિંગ એસોસિએશનોએ દાખલ કરેલી અરજી પર હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. જાગો નેહરુ નગર રેસિડેન્ટ્‌સ વેલ્ફેર એસોસિએશન અને શિવસૃષ્ટિ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઝ એસોસિએશનને મસ્જિદો પર લગાવેલા લાઉડ સ્પીકરો દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ સામે પોલીસની નિષ્ક્રિયતાનો આરોપ મૂક્યો હતો.

અરજદારોએ દલીલ કરી હતી કે ‘અઝાન’ જેવા ધાર્મિક હેતુઓ માટે લાઉડસ્પીકરના ઉપયોગથી શાંતિને ખલેલ પહોંચે છે અને ધ્વનિ પ્રદૂષણ (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) નિયમો, ૨૦૦૦, તેમજ પર્યાવરણ સુરક્ષા ધારા હેઠળની જોગવાઈઓનું ઉલ્લંઘન થાય છે.ખંડપીઠે તેના આદેશમાં જણાવ્યું હતું કે મુંબઈ એક કોસ્મોપોલિટન શહેર છે અને દેખીતી રીતે શહેરના દરેક વિસ્તારોમાં વિવિધ ધર્મના લોકો રહે છે.તે જાહેર હિતમાં છે કે આવી પરવાનગીઓ ન આપવી જોઈએ.

આવી પરવાનગીઓને નકારવાથી ભારતના બંધારણની કલમ ૧૯ અથવા ૨૫ હેઠળના અધિકારોનું બિલકુલ ઉલ્લંઘન થતું નથી. લાઉડસ્પીકરનો ઉપયોગ એ કોઈપણ ધર્મનો આવશ્યક હિસ્સો નથી.

કાયદાની જોગવાઈઓ દ્વારા નિર્ધારિત તમામ જરૂરી પગલાં અપનાવીને કાયદાનો અમલ કરવો તે રાજ્ય સરકાર અને અન્ય સત્તાવાળાની બંધનકર્તા ફરજ છે. કોર્ટે મુંબઈના પોલીસ કમિશ્નરને ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર સામે કોઈ પણ ફરિયાદના કિસ્સામાં ત્વરિત પગલાં લેવા માટે તમામ પોલીસ સ્ટેશનોને સૂચના જારી કરવાનો પણ આદેશ આપ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.