હ્રિદાનનો ક્વાર્ટર ફાઇનલમાં પરાજય, અંડર-11માં ગુજરાતના પડકારનો અંત
વડોદરા, વડોદરાના સમા ઇન્ડોર કોમ્પલેક્સ ખાતે યોજાયેલી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સોમવારે ગુજરાતના હ્રિદાન પટેલનો ક્વાર્ટર ફાઇનલમાં પરાજય થતાં અંડર-11 બોયઝ અને ગર્લ્સ ઇવેન્ટમાં ગુજરાતના પડકારનો અંત આવી ગયો હતો.
સુરતના દસ વર્ષીય હ્રિદાનનો મુકાબલો તામિલનાડુના વી ક્રિશ સામે હતો જ્યાં તેને 0-3ના પરાજયનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઉત્તર પ્રદેશના દેવ ત્રિપાઠી સામે 3-1થી વિજય હાંસલ કરીને નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટમાં ક્વા. ફાઇનલમાં પ્રવેશનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. મેઇન ડ્રોમાં પ્રવેશનારા અન્ય ખેલાડીઓ અંશ ખમાર, ખ્વાઇશ લોટિયા અને દાનિયા ગોદીલ પણ વહેલા આઉટ થઈ ગયા હતા.
દરમિયાન અંડર-13 ઇવેન્ટમાં ગુજરાતના છ ખેલાડીએ મેઇન ડ્રોમાં પ્રવેશ કરી લીધો હતો. અમદાવાદના માલવ પંચાલ અને સુરતના સમર્થ શેખાવત તથા માનવ મહેતા પોતપોતાના ક્વોલિફાઇંગ ગ્રૂપમાં મોખરે રહ્યા હતા અને બોયઝ ઇવેન્ટમાં પ્રવેશ કર્યો હતો. દરમિયાન સુરતની દાનિયા અને અમદાવાદની જિયા ત્રિવદી તથા મૌબિની ચેટરજીએ ગર્લ્સ કેટેગરીમાં ક્વોલિફાઈંગ રાઉન્ડમાં વિજય હાંસલ કર્યો હતો.
પરિણામોઃ બોયઝ અંડર-11 ક્વા ફાઇનલઃ વીર બાલ્મિકી જીત્યા વિરુદ્ધ ઝૈન શેખ 3-0 (11-1,11-6,11-7); વી ક્રિશ જીત્યા વિરુદ્ધ હ્રિદાન પટેલ 3-0 (11-6,11-7,11-7); રિશાન ચટ્ટોપાધ્યાય જીત્યા વિરુદ્ધ ભાવિત સિંઘ બિસ્ત 3-1 (11-9,11-8,3-11,11-7); પ્રતિક તુલસાની જીત્યા વિરુદ્ધ એચ. શ્રીવાન્થ 3-0 (11-0,11-5,11-7)
ગર્લ્સ અંડર-11 ક્વા. ફાઇનલઃ સાતુર્યા બેનરજી જીત્યા વિરુદ્ધ કે. સાન્વી શ્રી 3-2 (2-11,11-1,11-6,8-11,11-6); તનિષ્કા કાલભૈરવ જીત્યા વિરુદ્ધ શરણ્ય કર 3-0 (11-3,11-4,11-9); બિબેશ્ના સહા જીત્યા વિરુદ્ધ પ્રજ્ઞા 3-0 (11-8,11-7,11-6); શરીકા શહિદ જીત્યા વિરુદ્ધ દીપક રેડકર 3-2 (11-8,10-12,8-11,11-7,11-9)