ઉત્તર ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલ પુરતી સ્થગિત
પાટણ, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલ પુરતી સ્થગિત રાખવામાં આવી હોવાનું યુજીવીસીએલ પાટણ વિભાગીય કચેરીના સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
યુજીવીસીએલ પાટણ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર દ્વારા કરાયેલ પરિપત્રમાં જણાવ્યું છે કે વીજગ્રાહકોના સાદા વીજમીટર તબદીલ કરીને સ્માર્ટ વીજમીટર લગાડવા માટેની પાટણ શહેર તેમજ પાટણ જીલ્લામાં જે ચર્ચા ચાલી રહેલ છે, તેના અનુસંધાનમાં જણાવવાનું કે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલમાં કરવામાં આવનાર નથી. તેમજ ઉત્તર ગુજરાતમાં હાલ પુરતી સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલમાં સ્થગિત રાખવામાં આવેલ હોવાનું કાર્યપાલક ઈજનેર યુજીવીસીએલ, વિભાગીય કચેરી, પાટણના પરિપત્રમાં જણાવ્યું છે.
સ્માર્ટ વીજ મીટર મામલે પાટણ યુજીવીસીએલના કાર્ય્પાલક ઈજનેર વી.બી. પટેલ સાથે ટેલિફોનીક વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે હાલમાં પાટણ શહેરમાં કુલ ર૮ જેટલા સ્માર્ટ મીટર ટેસ્ટીંગ માટે લગાવવામાં આવ્યા છે જેમાં યુજીવીસીએલ કચેરી સહિત કેટલાક વિજ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને કેટલીક સરકારી કચેરીઓમાં અને કેટલીક સરકારી કચેરીઓોમાં સ્માર્ટ મીટર લગાવી ટેસ્ટીંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
બાકી શહેરમાં કોઈ જ જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા ન હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ ટેસ્ટિંગ પ્રક્રિયાના આધારે શહેરમાં સ્માર્ટ મીટર લગાવવા કેનહિ તે મામલે યુજીવીસીએલ દ્વારા નકકી કરવામાં આવનાર છે.