ડોલીની જગ્યાએ દુલ્હનની અર્થી નિકળતાં આખું ગામ હિબકે ચઢયું

૫ મેના રોજ જાન આવવાની હતી, પણ જાન આવે તેના એક દિવસ પહેલા દુલ્હનનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું-લગ્નની આગલી રાતે દુલ્હનને હાર્ટ એટેક આવતા મોત થયુ
બદાંયૂ, યૂપીના બદાંયૂમાં સાત ફેરાના સપના જોઈ રહેલી એક દીકરીની જીવનલીલા સંકેલાઈ ગઈ. બીજા દિવસે જાન આવવાની હતી તેની આગલી રાતે ડાન્સ કરતા અચાનક હાર્ટ એટેક આવ્યું અને દીકરીનું મોત થઈ ગયું.
ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાંથી હચમચાવી નાખતી એક ઘટના સામે આવી છે. અહીં લગ્નના થોડા કલાકો પહેલા સોળ શણગાર સજેલી દુલ્હનને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું હતું. બદાયૂંના ઇસ્લામનગરના નૂરપુર પિનૌનીમાં દિનેશ પાલે પોતાની ૨૦ વર્ષિય દીકરી દીક્ષાના લગ્ન મુરાદાબાદના ગામ શિવપુરીના રહેવાસી મદનપાલના દીકરા સૌરભ સાથે નક્કી કર્યા હતા. ૫ મેના રોજ જાન આવવાની હતી, પણ જાન આવે તેના એક દિવસ પહેલા દુલ્હનનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું,
જેનાથી મા-બાપ અને પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. નૂરપુર પિનૌની ગામમાં માતમ છવાઈ ગયો છે. આ દર્દનાક ઘટનાએ સૌ કોઈને રડાવી દીધા. ઘટના ત્યારે થઈ જ્યારે પીઠીની વિધિ દરમ્યાન ડાન્સ કરી રહેલી દુલ્હન દીક્ષાની અચાનક તબિયત ખરાબ થઈ. રવિવારે પીઠીની રસમમાં દીક્ષા પોતાની બહેનો અને સંબંધીઓ સાથે ડાન્સ કરી રહી હતી.
ત્યારબાદ ગભરાહટ થતાં તે વોશરૂમમાં ગઈ. પણ થોડી મિનિટોમાં જ તે નીચે પડી ગઈ અને ઘટનાસ્થળ પર હાર્ટ એટેકથી તેનું મોત થઈ ગયું. દુલ્હનના પિતા દિનેશ પાલે જણાવ્યું કે, દીક્ષાને વોશરૂમમાં મોડું થતાં પરિવારે અવાજ લગાવ્યો, પણ અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં. ત્યારે પરિવારના લોકોએ દરવાજો તોડ્યો, અંદર જોયું તો દીક્ષાનું મોત થઈ ચૂક્્યું હતું.
તેમણે જણાવ્યું કે, તેમની દીકરીના લગ્ન મુરાદાબાદ જિલ્લાના શિવપુરી ગામના મદનલાલના પુત્ર સૌરભ સાથે નક્કી કર્યા હતા. સૌરભ મુરાદાબાદમાં એક ફેક્ટરીમાં કામ કરતો હતો. આજે મુરાદાબાદમાંથી તેની જાન આવવાની હતી, પણ તે પહેલા તેના મોતે જીવનની તમામ તૈયારીઓ છીનવી લીધી.
ડોલીની જગ્યાએ અર્થીની આ સફરે આખા ગામને હચમચાવી નાખ્યું. ઘરમાં ચારેતરફ માતમ ફેલાયેલો છે. સૌ કોઈની આંખમાં આંસુ છે. પરિવારે દીક્ષાની લાશનું પોસ્ટમોર્ટમ કરવાની પણ ના પાડી દીધી છે.