ઉત્તર પ્રદેશના રાજ્યપાલે SoUની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી
સરદાર સરોવર નર્મદા બંધ, જંગલ સફારી પાર્ક, આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ અને કેક્ટસ ગાર્ડનની મુલાકાત સહિત પ્રાકૃતિક સૌંદર્યનો નજારો નજરે નિહાળ્યો
રાજપીપલા, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. રવિવારના રોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલી સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા નિહાળીને ભવ્યતા અનુભવી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી. રાજ્યપાલશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૪૫ માળની ઉંચાઈએ આવેલી વ્યુઇંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હ્રદયસ્થાનેથી વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું.
વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન-કવનને વણી લેતી ફિલ્મ અને તસવીરી ઝલક નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ દ્વારા રાજ્યપાલશ્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કરતા રાજ્યપાલશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પોતે પણ આ ભગીરથ કાર્યમાં સહભાગી થવાનો મોકો મળ્યો હતો
તેને ગૌરવભેર યાદ કરીને સુશાસનકાળની સ્મૃતિઓ વાગોળી હતી. મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલે રાજ્યપાલશ્રીને સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફીટેબલ બુક અર્પણ કર્યા હતા. બાદમાં રાજ્યપાલશ્રીએ રાત્રિ દરમિયાન યોજાતો લેસર શો પણ નિહાળી ધન્યતા અનુભવી હતી.
એકતાનગર ખાતે આવેલા વિવિધ પ્રકલ્પોની પણ રાજ્યપાલશ્રીએ મુલાકાત કરી હતી. જેમાં સરદાર સરોવર ડેમ, આરોગ્ય વન, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, મિયાવાકી ફોરેસ્ટ, જંગલ સફારી પાર્ક અને કેક્ટસ ગાર્ડનની મુલાકાત લીધી હતી. તેઓશ્રીએ તમામ પ્રોજેટની મુલાકાત દરમિયાન એસઓયુના સીઈઓશ્રી ઉદિત અગ્રવાલ પાસેથી ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી. તમામ પ્રોજેક્ટ વિશે ઉંડો રસ દાખવ્યો હતો.
ઉત્તરપ્રદેશના રાજ્યપાલશ્રીની આ મુલાકાત દરમિયાન તેઓની સાથે વડોદરાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સી.ઈ.ઓ. શ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, નાયબ વન સંરક્ષક-એકતાનગર શ્રી અગ્નેશ્વર વ્યાસ, એસઓયુના અધિક કલેક્ટરશ્રી ગોપાલ બામણીયા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પણ જોડાયા હતા.