UP લવ જેહાદ બિલઃ ધર્મ પરિવર્તનના મામલામાં FIR નોંધાવી શકાશે
ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ
(એજન્સી)લખનઉ, લવ જેહાદ સંબંધિત બિલ મંગળવારે ઉત્તરપ્રદેશની વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ બિલમાં હવે આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ છે, જેમાં લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની સજા પણ બમણી કરાઈ છે. યોગી સરકારે સોમવારે ગૃહમાં આ સંબંધિત બિલ રજૂ કર્યું હતું જે આજે પાસ થયું છે.
નવા કાયદામાં દોષિત સાબિત થવા પર ૨૦ વર્ષની કેદ અથવા આજીવન કેદની જોગવાઈ છે.
હવે કોઈપણ વ્યક્તિ ધર્મ પરિવર્તનના મામલામાં એફઆઈઆર નોંધાવી શકે છે. પ્રથમ કિસ્સામાં, માહિતી અથવા ફરિયાદ આપવા માટે પીડિતા, માતા-પિતા અથવા ભાઈ-બહેનની હાજરી જરૂરી હતી. સેશન્સ કોર્ટની નીચેની કોઈપણ કોર્ટ લવ જેહાદના કેસની સુનાવણી નહીં કરે.
લવ જેહાદના કેસમાં સરકારી વકીલને તક આપ્યા વિના જામીન અરજી પર વિચાર નહીં કરાય. તમામ ગુનાઓ બિનજામીનપાત્ર બનાવાયા. ઉત્તરપ્રદેશની યોગી સરકારે ૨૦૨૦માં લવ જેહાદ વિરુદ્ધ પહેલો કાયદો બનાવ્યો હતો. આ પછી, યુપી સરકારે વિધાનસભામાં ધર્મ પરિવર્તન નિષેધ બિલ ૨૦૨૧ પસાર કર્યું.
આ બિલમાં ૧ થી ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઈ હતી. આ બિલમાં એવી જોગવાઈ હતી કે માત્ર લગ્ન માટે કરવામાં આવતા ધર્મ પરિવર્તનને અમાન્ય ગણવામાં આવશે. આ પહેલા યુપીમાં બનેલા જૂના કાયદા મુજબ જૂઠું બોલીને ધર્મ પરિવર્તન કરવું ગુનો ગણાશે.