Western Times News

Gujarati News

UPમાં કોઈ મોટો નિર્ણય લઈ શકે છે BJP: ભાજપના કંગાળ પ્રદર્શન મુદ્દે ચર્ચા

ભારે હલચલ વચ્ચે મોદીએ યુપીના દિગ્ગજ નેતા સાથે કરી બેઠક-સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થશે.

નવી દિલ્હી, ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી-૨૦૨૪માં નબળા પ્રદર્શન અંગે હજુ પણ સમીક્ષાનો દોર ચાલી રહ્યો છે, ત્યારે ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક કલાક બેઠક કરી છે. આ બેઠકમાં રાજ્યમાં ભાજપના કંગાળ પ્રદર્શન મુદ્દે ચર્ચાઓ થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં ચૌધરીને પૂછવામાં આવ્યું છે કે, તમને જાણ હતી કે, ઉત્તર પ્રદેશમાં ભાજપને ઓછા મત મળવાના છે, પરંતુ આટલી ઓછી બેઠકો જીતીશું, તેવો કોઈ અંદાજો ન હતો. સમાજવાદી પાર્ટીને ૪૦ની આસપાસ બેઠકો મળવાની હતી, એવી કલ્પના પણ કરી ન હતી. આ આપણા માટે મોટો ઝટકો છે.

મીડિયા અહેવાલો મુજબ, ભાજપના ટોચના નેતાઓ જુદાં જુદાં રાજ્યોના નેતાઓને મળીને લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન સમીક્ષાઓ કરી રહ્યા છે અને આ નેતાઓ પાસેથી ચૂંટણીમાં નબળા પ્રદર્શન અંગે ફીડબેક મેળવી રહ્યા છે. આ પહેલા મંગળવારે (૧૬ જુલાઈ) ભાજપના ટોચના કેન્દ્રીય નેતાએ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય અને ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સાથે મુલાકાત કરી ફીડબેક મેળવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ મૌર્ય અને ચૌધરી સાથે જુદી જુદી બેઠકો યોજાઈ હતી, જેમાં રાજ્યમાં ભાજપના નબળા પ્રદર્શન પાછળ કાર્યકર્તાઓની અવગણના અને તંત્ર દ્વારા પાર્ટી વિરુદ્ધ કરાયેલા કામને જવાબદાર ઠેરવાયા છે. કુલ મળીને ભાજપે સમીક્ષા રિપોર્ટમાં હાર પાછળ તંત્રને જવાબદાર ઠેરવ્યું છે.

બીજીતરફ એવા અહેવાલો સામે આવ્યા છે. લોકસભા પરિણામોની સમીક્ષા કરવા માટે આ મહિનાના અંતે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીની મોટી બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.