આ કારણસર વન વિભાગે શેરડીના ખેતરોમાં પાંજરા ગોઠવ્યા પડ્યા

પ્રતિકાત્મક
સાંજ પડતા જ લોકો ઘરમાં રહેવા મજબૂર- થોડા દિવસ પહેલા એક મહિલાને દીપડાએ મારી નાંખતા ફફડાટ,
નવી દિલ્હી, દીપડો એક ખૂંખાર પ્રાણી છે અને તે માણસ પર હુમલા કરવા માટે જાણીતું છે. એક વખત સિંહનો વિશ્વાસ કરી શકાય પરંતુ દીપડા પર ભરોસો કરી શકાય નહિ તેમ જાણકારો કહે છે.
3 વર્ષમાં દીપડાઓએ UPના બિજનોરમાં 27 લોકોને શિકાર બનાવ્યાં
ઉત્તરપ્રદેશના બિજનૌરમાં દીપડાનો આંતક ફેલાયો છે. દીપડાનો ભય એટલો છે કે ગ્રામજનો સાંજ પડતા જ ઘરમાં પૂરાઈ જાય છે દિવસે બહાર નીકળવુ હોય તો ડર લાગે તો રાત્રે તો દીપડાના ભયથી લોકો થરથર કાંપી રહયા છે. થોડા સમય પહેલા દીપડાએ હુમલો કરી એક મહિલાને મારી નાંખી હતી. જેને કારણે આ ક્ષેત્રમાં રહીશોમાં ફફડાટ ફેલાયો છે.
બિજનૌરના જનપદ અને ચાંદપુરક્ષેત્રમાં દીપડાનો આતંક જોવા મળી રહયો છે. આ વિસ્તારમાં પહાડી હોવાથી અને શેરડીના ખેતરો હોવાથી દીપડા તેમાં છુપાઈ જાય છે અને હુમલો કરે છે તેવુ સ્થાનિકો કહે છે. આસપાસના પ૦ થી ૧૦૦ જેટલા ગામોમાં દહેશતનો માહોલ છે. દીપડાઓ ખેતરમાંથી આવીને હુમલા કરે છે જેને કારણે બાળકો ઘરની બહાર નીકળી શકતા નથી શાળાએ જતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ સર્જાયો છે તો ખેડૂતો- શ્રમિકો ખેતરમાં કામ કરવા જતા ડરી રહયા છે.
પાછલા ત્રણ વર્ષમાં આ વિસ્તારમાં દીપડાઓએ ર૭-ર૮ લોકોને પોતાના શિકાર બનાવ્યા છે અને અનેક રહીશોને ઘાયલ કર્યા છે. શેરડીના ખેતરો દીપડાઓનું આશ્રયસ્થાન બની ગયા છે આ પંથકમાં દીપડાઓની સંખ્યા મોટા પ્રમાણમાં હોય છે.
બીજી તરફ લોકો પર હુમલો કરીને તેમને મારી નાંખતા દીપડાને પકડવા માટે વન વિભાગ તરફથી શેરડીના ખેતરોમાં ઠેરઠેર પાંજરાઓ મૂકવામાં આવ્યા છે પરંતુ દીપડો હજુ ઝડપાયો નથી. બાળકો-વૃધ્ધો સહિત ગામના લોકો ફફડી રહયા છે સાંજના તો ઘરની બહાર નીકળી શકતા નથી.
બારી-બારણા બંધ કરીને રાત આખી ઘરમાં પુરાઈ રહેવુ પડે છે તો ખેતરોમાં કામ કરતા ખેડૂતો- શ્રમિકો પર દીપડો હુમલો ન કરે તે માટે તેમને ખાસ પ્રકારના મુખોટા આપ્યા છે જે પહેરીને ખેડૂતો- શ્રમિકો કામ કરે છે. વન વિભાગ દીપડાને પકડવા માટે ભારે જહેમત ઉઠાવી રહયુંં છે. પાંજરાઓ મૂકવા છતાં દીપડો હાથમાં આવતો નથી.