છ કલાકારોને પ્રસ્તુત કરતું મ્યૂઝિક આલ્બમ ‘વારસો’
પ્રિયા સરૈયા તરફથી આપ સૌને “વારસો”નાં વધામણાં, આ ધન્ય ઘડીએ સહર્ષ રજૂ કરીએ છીએ, વારસો… જેમાં માણી શકાશે સંગીતનું એક થોડું પરિચિત તો થોડું અપરિચિત પાસું
અમદાવાદ, ‘વારસો’ એ ફક્ત એક મ્યૂઝિક આલ્બમ નથી, પણ ગુજરાતી સંગીત તેમજ લોકસંગીતની ધરોહરનો સેતુ છે, જે આપણને સૌને ‘વારસો’નાં કલાકારો અને તેમનાં પારંપરિક સંગીત સાથે જોડે છે. Vaarso – A Musical Series present by Priya Saraiya Indian playback singer & lyricist in Bollywood
‘વારસો’નાં પહેલા અધ્યાયમાં કુલ છ રચનાઓ છે, જેને છ અલગ અલગ કલાકારો પ્રસ્તુત કરશે. આ તમામ કલાકારોની ઓળખ તેમનું નામ અને કામ જ કહી શકાય. સૌથી પહેલી રચના આપણે સાંભળીશું – તે છે ‘વિચ્છુડો”, જેને સંગિતાબેન લાબડીયા અને પ્રિયા સરૈયા દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
સંગિતાબેન લાબડીયા એક એવા કલાકાર છે, જેમની ત્રણ પેઢીએ લોકસંગીતની આરાધના કરી છે અને સંગીત જેમને ગળથૂથીમાં મળ્યું છે. સંગિતાબેન લાબડીયાએ માત્ર સાત વર્ષની ઉંમરથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી અને તેમાં તેઓને પરિવારનો અખૂટ સાથ મળ્યો.
ગુજરાત સરકાર તરફથી અનેકાનેક પારિતોષકોથી સન્માનિત સંગિતાબેનને તાજેતરમાં જ પ્રતિષ્ઠિત ‘કવિ કાગ અવોર્ડ’ એનાયત થયો છે. ‘વિચ્છુડો’માં સંગિતાબેનની સાથે વારસોનાં વિચારક પ્રિયા સરૈયા છે, જેમણે પણ ખૂબ નાની વયથી સંગીત સાધનાની શરૂઆત કરી.
પ્રિયા સરૈયાએ ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી અને આગળ જતાં વેસ્ટર્ન સંગીતથી પણ સુસજ્જ થયાં. આ ઉપરાંત, પ્રિયાબેન એક ઉમદા ગીતકાર પણ છે, જેમણે હિન્દી અને ગુજરાતી ફિલ્મી-નોન ફિલ્મી ગીતો લખ્યાં અને ગાયા છે. સંગિતાબેન અને પ્રિયા સરૈયાની જોડી ‘વિચ્છુડો’ ગીતને એક અલગ જ સીમાએ પહોંચાડે છે.