છાત્રોએ ગામનું તળાવ સ્વચ્છ કરવા સાથે પક્ષીઓની ફોટોગ્રાફી-પેઈન્ટિંગ્સ બનાવ્યા
(એજન્સી)વડોદરા, વડોદરાના છેવાડે આવેલા ભાયલી ગામના વણકરવાસના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના એક બાળ મંડળની પર્યાવરણ પ્રેમ અને પક્ષીઓ સાથેની મિત્રતા રંગ લાવી છે. આ વિદ્યાર્થીઓએ ભાયલીના નાનકડા તળાવને સ્વચ્છ કરવાની ઝુંબેશ ઉપાડી હતી.
જેના કારણે આ તળાવમાં ફરી પક્ષીઓ આવતા થયા છે. સાથે સાથે બાળકો આ પક્ષીઓની ફોટોગ્રાફી પણ કરે છે અને તેમના પેઈન્ટિંગ્સ પણ બનાવે છે. તાજેતરમાં તેમના પેઈન્ટિંગ્સ અને ફોટોગ્રાફનુ પ્રદર્શન પણ યોજાયુ હતુ. સાવ છેવાડાના વિસ્તારના કાચા પાકા મકાનોમાં રહેતા બાળકોના પક્ષીપ્રેમની નોંધ રાજ્ય સરકારે પણ લીધી છે.
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રવિવારે મહાત્મા મંદિર ખાતે જલપ્લાવિત વિસ્તારોની જાળવણી માટે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (ગીર) ફાઉન્ડેશનના સેમિનારના ઉદ્ઘાટન દરમ્યાન વડોદરાના આ નવ વિદ્યાર્થીઓ પૈકીની માન્યા મકવાણા
અને નંદીની વણકરનુ તથા તેમને માર્ગદર્શન આપનારા એન્વાર્યમેન્ટ એક્ટિવિસ્ટ હિતાર્થ પંડ્યાનુ સન્માન કરવામાં આવ્યું હતું. વન મંત્રીએ ભાયલીના બાળકો દ્વારા શરુ કરાયેલ વેટલેન્ડ બચાવવાના યજ્ઞના વખાણ કર્યા હતા.