22 કરોડના ખર્ચે વડનગરમાં સ્થપાશે કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (CSTI)

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર સાથે લાર્સન એન્ડ ટુબ્રો(L&T)એ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના માટે ગાંધીનગરમાં MoU કર્યા
L&T દ્વારા રૂ. 22 કરોડના અંદાજિત ખર્ચે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના વતન વડનગરમાં ઈન્સ્ટિટ્યુટનું નિર્માણ થશે
ટૂંકા ગાળાના અભ્યાસક્રમોમાં દર વર્ષે 1000થી વધુ યુવાઓને તાલીમ કૌશલ્ય મળશે
ઉત્તર ગુજરાતમાં ધરોઈ વિસ્તારના વિવિધ વિકાસકામો-ભારતમાલા પ્રોજેક્ટ તથા બાંધકામ ક્ષેત્રના અન્ય મોટા પ્રોજેક્ટ્સ માટે બાંધકામ ટેક્નોલોજીના જ્ઞાન-કૌશલ્યથી સજ્જ કુશળ તાલીમબદ્ધ યુવાધન ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની નેમ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા લાર્સન એન્ડ ટુબ્રો L&T લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા હતા.
આ MoU અન્વયે L&T ઉત્તર ગુજરાતના વડનગરમાં કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (CSTI)ની સ્થાપના કરશે. રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર વિભાગ દ્વારા આ ઈન્સ્ટિટ્યુટ માટે દસ એકર જમીન ફાળવાશે.
રૂ. 22 કરોડના અંદાજિત ખર્ચે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં શરૂ થનારા આ ઈન્સ્ટિટ્યુટના બિલ્ડિંગનું નિર્માણ તથા અન્ય માળખાકીય સુવિધાઓ અને તાલીમાર્થીઓને રહેવા તથા જમવા સહિતની સુવિધાઓ માટે L&T દ્વારા સી.એસ.આર. અન્વયે ખર્ચ કરાશે.
શ્રમ, રોજગાર તથા ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, મુખ્યમંત્રીશ્રી ના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે. દાસ તથા અગ્ર સચિવ શ્રી ડો. વિનોદ રાવ પણ આ MoU સાઈનિંગ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારના વિવિધ વિકાસકામો તથા ભારતમાલા પ્રોજેક્ટ્સ અને બાંધકામ ક્ષેત્રના અન્ય મેગા પ્રોજેક્ટ્સ માટે બાંધકામ ટેક્નોલોજીના જ્ઞાનકૌશલ્યથી સજ્જ તાલીમબદ્ધ યુવાધન ઉપલબ્ધ કરવામાં આ ઈન્સ્ટિટ્યુટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા તથા પાટણ જિલ્લાના યુવાઓ માટે વડનગરની આ તાલીમ ઈન્સ્ટિટ્યુટ ઉપયોગી બનશે.
આ ઈન્સ્ટિટ્યુટમાં સ્ટ્રક્ચરલ એન્ડ ફિનિશિંગ ટેક્નિશિયન, સ્માર્ટ સિટીઝ માટે (સી.સી.ટી.વી. અને ઓ.એફ.સી.) ટેક્નિશિયન, સોલાર એન્ડ ટ્રાન્સમિશન લાઈન ટાવર ઈરેક્શન ટેક્નિશિયન તથા ફાયર લાઈફ સેફ્ટી એન્ડ ટેક્નિશિયન જેવા ટૂંકાગાળાના અભ્યાસક્રમોમાં તાલીમ આપવામાં આવશે. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને આવાસ, ભોજન સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. તેમ જ દર વર્ષે 1000થી વધુ યુવાઓ આ શોર્ટ ટર્મ કોર્સીસનો લાભ લઈ શકશે.
રાજ્ય સરકાર વતી આ MoU પર ગુજરાત સ્ટેટ સ્કીલ ડેવલપમેન્ટ મિશનના ડિરેક્ટર શ્રી કે.ડી. લાખાણી તથા L&Tના વાઈસ પ્રેસિડન્ટ એચ.આર. શ્રી જે. કબિલને હસ્તાક્ષર કરીને પરસ્પર MoU એક્સચેન્જ કર્યા હતા.