વડોદરામાં ૧૦માં દિવસે દબાણોનો સફાયોઃ અકોટા-ગોરવામાં ઘર્ષણ
વડોદરા, વડોદરામાં પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સવારથી જ અકોટા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દૂર કરવા પહોંચી હતી. અકોટા બ્રિજથી તાજ વિવાન્ટા હોટલ અને અકોટા ગાર્ડન, બાગ સુધી રોડની બન્ને બાજુએ ફૂટપાથ પર ગેરકાયદે લારી ગલ્લા પથારા અને શેડ, ફેબ્રિકેશન સહિત ખાણીપીણીની લારીઓ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. પાલિકાની કામગીરી દરમિયાન વિસ્તારમાં અફરાતફરી અને દોડધામ મચી હતી.
દબાણ શાખાની ટીમ ત્રાટકી પડતા લારી ગલ્લા ધારકોએ પોતાનો સામાન નજીકના બગીચામાં સંતાડી દીધો હતો. પાલિકાની દબાણ શાખાની ટીમ આ સામાન કબજે કરવા બગીચામાં ગઈ હતી. ત્યારે દબાણ શાખાની ટીમ અને પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ જોવા મળ્યું હતું. જો કે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાથી માહોલ શાંત રહ્યો હતો.
દરમિયાન અકોટા બ્રિજથી પશ્ચિમ વિસ્તારમાં હોટલ તાજ વિવાન્ટા, અકોટા ગામ અને ગાર્ડન સહિતના વિસ્તારમાં રોડની બન્ને બાજુએ ગેરકાયદે દબાણનો રાફડો ફાટયો છે.
આ વિસ્તારમાં મોટેભાગે ફેબ્રિકેશનના વેપાર ધંધા માટે ગેરકાયદે લારી ગલ્લા શેડ સહિત ખાણીપીણીની અનેક લારીઓ ખડકાઈ ગઈ હતી. કેટલાય ફેબ્રિકેશનના ગેરકાયદે શેડ રાખીને વેપાર ધંધો કરનારાઓ પૈકીના કેટલાકે લંગરિયા નાંખીને ગેરકાયદે વીજ કનેકશનો પણ મેળવ્યાની શક્યતા હોય કે પછી આજુબાજુમાંથી પણ ગેરકાયદે વીજ કનેકશન મેળવીને વેપાર ધંધા કરતા હોવાનું કહેવાય છે.
સવારથી સ્થાનિક પોલીસ કર્મીઓ, વિદ્યુત વિભાગના કાફલાને સાથે રાખીને, પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમ બુલડોઝર સાથે ત્રાટકી હતી.