Western Times News

Gujarati News

મહિલાની છેડતી મુદ્દે ૪ શખ્સોએ યુવાનનું અપહરણ કરી ખંડણી માંગી

પ્રતિકાત્મક

સમાધાનના નામે નાણાં લઈને પહોંચેલી પોલીસે અપહરણકારોને ઝડપી લીધા

વડોદરા, વડોદરામાં અલકાપુરી વિસ્તારમાં એક બંગલામાં ઘરકામ કરી રહેલા યુવાનને બંગલામાં જ કેરટેકર તરીકે રહેતી મહિલાની છેડતી કરી હોવાના આક્ષેપ સાથે અમદાવાદમાં રહીને મેનપાવરનું કામ કરી રહેલી કંપનીના સંચાલક સહિત ચાર વ્યક્તિઓએ યુવકનું કારમાં અપહરણ કરી ખંડણી માંગી હતી. પચાસ હજારની ખંડણી લઈને સમાધાન માટે અપહૃતના ઓળખીતાને વડોદરાના પ્રિય લક્ષ્મી મિલનના નાળા પાસે બોલાવનાર ચારેય અપહરણકારોનો પોલીસે રંગે હાથ ઝડપી પાડયા હતા.

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી અમીન રેસિડેન્સીમાં રહેતા તથા મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સીંમલવાડા તાલુકાના ગાંગપલા ખાતેના વતની નરેશ ભીખાભાઈ રોત (ડામોર) (ઉ.વ.રર)એ આ મામલે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. તેમાં જણાવ્યા અનુસાર નરેશ રોત અલકાપુરી ખાતે મનિષાબેન મહેશ્વરીના બંગલામાં ઘરકામ કરે છે.

તેને ગૌતમ શર્માએ નોકરી અપાવી હતી. આ દરમિયાન એક મહિલા સાથે પરિચય થયો હતો. તા.૯મીએ રાત્રે નરેશ રોતે મહિલાના અડપલા કર્યા હતા. બીજા દિવસે નરેશ રોત અમદાવાદના ચાણકયપુરી ખાતે જતો રહ્યો હતો. તે દરમિયાન મારા શેઠ ગૌતમ ભાઈનો મારા ઉપર ફોન આવ્યો હતો અને મહિલાની છેડતી કરી છે તે બાબતે વાતચીત કરી સમાધાન માટે સયાજીગંજમાં બોલાવ્યો હતો જેથી હું અગાઉ જ્યાં નોકરી કરતો હતો ત્યાં કડક બજાર ખાતે ભગવતી ખમણ હાઉસ ખાતે ગયો હતો.

નરેશે કહ્યું છે કે, ગઈકાલે સાંજે સાડા ચાર વાગે ગૌતમભાઈ તેમજ તેની સાથે અમદાવાદના અનિલ સોનાવત, શૈલેષ નાગદા તેમજ વડોદરાનો હાર્દિક રાઠોડ કડક બજારના નાકે કારમાં આવ્યા હતા. તેઓ જબરદસ્તી તેને કારમાં લઈ ગયા હતા. તેની પાસે રૂપિયા પચાસ હજારની માગણી કરી હતી. ચારે જણાએ તેને માર માર્યો હતો અને સમાધાન નહીં કરાવીએ તેમ કહી રૂપિયાની માગણી કરતા નરેશે તેના જૂના શેઠને ફોન કર્યો હતો.

તેમણે ગૌતમભાઈ સાથે વાત કરી હતી અને એસટી ડેપોથી નવા યાર્ડ જતા પ્રિય લક્ષ્મી મિલના ગરનાળા પાસે રૂપિયા લઈને બોલાવ્યા હતા. આ અંગેની તેના શેઠે પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસ ત્યાં ચારેય જણાને પકડી લઈ પોલીસ સ્ટેશનને લઈ ગઈ હતી. પોલીસે નરેશ રોતની ફરિયાદના આધારે ગૌતમ શર્મા, અનિલ સોનાવત, શૈલેશ નાગદા (તમામ રહે.અમદાવાદ) તથા વડોદરાના હાર્દિક રાઠોડની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.