વડોદરામાં અટલ બ્રિજ પર ઢાળ નહીં ચડી શકતા ભારદારી વાહનો માટે પ્રતિબંધ મૂકવાની માંગણી
એક તરફ સીધા જવા માટે બનાવેલા બે ટ્રેક રસ્તાઓ પૈકી ડાબી બાજુના એક ટ્રેક ઉપર થી સ્કુટર, મોટરસાયકલ તેમજ અન્ય ખાનગી વાહનો તેમની સામાન્ય ગતિએ પસાર થતા હોય છે
વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા અટલ બ્રીજ ઉપર ઊંચા ઢાળના ચઢાણ પર અતિભારદારી વાહનો, ડમ્પર, પેસેન્જર રીક્ષા, માલવાહક ટેમ્પા, ટ્રેક્ટર ટ્રેઇલર કચરાની ખુલ્લી ગાડીઓ વગેરેને પસાર થવું અઘરું અને મુશ્કેલ પડતું હોવાથી ટ્રાફિક જામ કરે છે જેના લીધે આવા વાહનો માટે અટલ બ્રીજ ઉપર પ્રવેશ પ્રતિબંધ મુકવા માંગણી કરવામાં આવી છે.
વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા ગુજરાત સરકાર અને શહેર પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે અટલ બ્રીજને ખુલ્લો મુક્યા બાદ વહીવટી તંત્રની બેદરકારીને કારણે બ્રીજ ઉપરથી પસાર થવું મુશ્કેલ એટલે બની ગયું છે કે બ્રીજ ઉપર જવા માટે ઉભો ઢાળ ચડવા માટે ભારદારી વાહનો ટ્રાફિક જામની સમસ્યા ઉભી કરીને મોટા અવરોધો ઉભા કરે છે.
એક તરફ સીધા જવા માટે બનાવેલા બે ટ્રેક રસ્તાઓ પૈકી ડાબી બાજુના એક ટ્રેક ઉપર થી સ્કુટર, મોટરસાયકલ તેમજ અન્ય ખાનગી વાહનો તેમની સામાન્ય ગતિએ પસાર થતા હોય છે.
જયારે સીધા જતા ડિવાઈડર બાજુના ટ્રેક ઉપર ભારદારી વાહનો કે જેમાં નિયત વજનથી અનેક ગણું વધારે વજન ભરેલું હોવાથી ઢાળ ખૂબ ધીમે ચડે છે.
પેસેન્જર રીક્ષામા ઓછી તાકાત ધરાવતું એન્જીન હોવા છતાય ત્રણ કરતા વધારે પેસેન્જર બેસાડેલા હોય છે. પેસેન્જર રીક્ષા હોવા છતાય વજનદાર માલવહન કરતી રીક્ષાઓ, ધીમી ગતિ એ ઇંટો, રેતી, કપચી, રોડા છારુ ભરીને નીકળતા ટ્રેક્ટર ટ્રેઇલર, ડોર ટુ ડોર વેસ્ટ માટેના ટેમ્પાઓ વચ્ચે ચાલતા હોવાથી પાછળ પેસેન્જર વાહન ચાલકોની લાઈન થઇ જાય છે.
કેટલાક અતિશય વજન ભરેલા ડમ્પર તો બ્રીજનો ઢાળ નહિ ચડી શકતા આખા રોડની પહોળાઈ ઉપર આડા અવળા થઇને ઢાળ ચડાવવાનો પ્રયાસ કરતા જણાય છે.
સામાન્ય વહન કરવા માટે નીચે સમાંતર રોડ જ છે. વાહનચાલકો ઝડપથી શહેરના એક ભાગમાંથી બીજામાં પહોંચી શકે તેવા હેતુ સાથે બ્રિજ બનાવેલો છે, પરતું બ્રિજ ઉપર કોણ પ્રવેશ કરી શકે અને કોણ ના કરી શકે તેનું કોઈ નિયંત્રણ નક્કી કરાયેલું નથી.
જયારે પણ મુખ્યમંત્રી કે અન્ય વીઆઈપી આવે ત્યારે રોડ રસ્તા બંધ કરેલા હોવાથી એમને બ્રિજ ઉપર સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો ખ્યાલ આવવાની શક્યતા રહેતી નથી.
આથી બ્રિજ ઉપર જવા માટે સીધો ઢાળ ચડી શકે તેવી ક્ષમતા વગરના તમામ વાહનોની આવજા કરવા પર પ્રતિબંધ મૂકી નીચેથી પસાર થતા રસ્તાનો ઉપયોગ કરવા નિયમ મુકાય તેવી માગણી કરવામાં આવી છે.