Western Times News

Gujarati News

હોસ્પિટલની મહિલા ફાઈનાન્સ મેનેજરે 28 લાખની ઉચાપત કરી

વડોદરા, વડોદરાની જાણિતી ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલમાં એકાઉન્ટ વિભાગમાં ચાલતા કૌભાંડનો ખુદ હોસ્પિટલ સત્તાવાળાઓએ ઘટસ્ફોટ કર્યો હતો. હોસ્પિટલ દ્વારા દર્દીઓ પાસેથી ચાર્જ પેટે વસૂલ કરવામાં આવેલા નાણાં મહિલા ફાઈનાન્સ મેનેજરે હોસ્પિટલના એકાઉન્ટમાં જમા કરાવવાના બદલે ર૮.૧૦ લાખની ઉચાપત કરી હોવાની વિગતો બહાર આવી હતી.

મૂળ અમદાવાદના રહેવાસી અને હાલમાં વડોદરા ખાતે રહેતા ગિરધરભાઈ પટેલ ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલમાં જનરલ મેનેજર ફાઈનાન્સ તરીકે નોકરી કરે છે. તેમણે ગોરવા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે કે, હોસ્પિટલના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં પિનલ મનવર (રહે. નંદનવન સુંદરવન સોસાયટી, ન્યુ સમા રોડ) ફાઈનાન્સ મેનેજર તરીકે નોકરી કરે છે તેઓનું કામ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના બિલની રકમ કેશીયરો પાસેથી મેળવી હોસ્પિટલના બેંક ખાતામાં જમા કરાવવાની જવાબદારી છે.

તાજેતરમાં ઓડિટ સમયે વિગતો સપાટી પર આવી હતી કે, ચાલુ વર્ષે ૧૪ જાન્યુઆરીથી રર એપ્રિલ સુધી જે દર્દીઓએ રોકડેથી કેશિયર ને પેમેન્ટ ચુકવ્યું હતું તે પૈકી ર૮૧૦૬૪૩ની રકમ પીનલ મનવરે હોસ્પિટલના બેંક ખાતામાં ભરી ન હતી જયારે કેશીયરોએ આ રકમ પીનલ મનવરને ચુકવી આપી હોવાની વિગતો દર્શાવી હતી.

આ બાબતે પીનલ મનવરની કંપનીના જવાબદાર અધિકારી સિનિયર વાઈસ પ્રેસીડેન્ટ રવિ હિરવાની સહિત અન્યની હાજરીમાં પુછતા જ કરતા એકાઉન્ટની નવી સિસ્ટમ આવી હોય ગલ્લા તલ્લા કર્યા હતા. ત્યારબાદ કબુલાત કરી હતી કે, ર૮૧૦૬૪૩ પૈકીની ૧૦.૩૦ લાખની રકમ બેંકમાં જમા કરાવી છે.

જયારે બાકીની ૧૭૮૦૬૪૩ રૂપિયાની રકમ અંગત ખર્ચ માટે વાપરી છે. પિનલ મનવરે પોતાની પાસે રહેલ કાર્ડ દ્વારા હોસ્પિટલને બે લાખ પરત ચુકવી આપ્યા હતા. ઉપરોકત ફરિયાદના આધારે ગોરવા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.