વડોદરા જિલ્લામાં ૮૭૮ મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરવામાં આવ્યો
વડોદરા જિલ્લામાં ૫૨,૮૦૦ બેગ યુરીયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ -વધુ ૩૩,૦૦૦ બેગ જેટલો યુરિયા ખાતરનો જથ્થો આગામી બે દિવસમાં ઉપલબ્ધ થશે
વડોદરા, વડોદરા જિલ્લામાં ખેડૂતો દ્વારા હાલમાં ડાંગર, સોયાબીન તેમજ કપાસ જેવા મુખ્ય ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમજ નાઈટ્રોજન તત્વ માટે ખેડૂતો દ્વારા પૂર્તિ ખાતર તરીકે યુરીયા ખાતરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
હાલમાં જિલ્લામાં કુલ યુરીયા ખાતર ૫૨,૮૦૦ બેગ, ડી.એ.પી. ખાતર ૨૦,૧૦૦ બેગ, મ્યુરેટ ઓફ પોટાશ ખાતર ૫,૪૬૦ બેગ, એન.પી.કે. ખાતર ૫૩,૬૪૦ બેગ તથા એસ.એસ.પી. ખાતર ૩૫,૩૬૦ બેગ મળીને કુલ ૧,૬૭,૩૬૦ બેગ ખાતર ખેડૂતો માટે ઉપલબ્ધ હોવાનું નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) શ્રી એ જણાવ્યું છે.
આમ જિલ્લામાં યુરીયા ખાતર તેમજ અન્ય તમામ ખાતરનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. વધુમાં ઇફ્કો કંપની રેક દ્વારા જિલ્લામાં અંદાજીત ૧૮૦૦ થી ૨૦૦૦ મેટ્રિક ટન એટલે કે લગભગ ૪૦,૦૦૦ થી ૪૪,૦૦૦ બેગ જેટલો યુરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં જી.એન.એફ.સી., ઇફ્કો તથા ક્રિભકો કંપની દ્વારા જિલ્લામાં ૮૭૮ મેટ્રિક ટન એટલે કે લગભગ ૧૯,૫૦૦ બેગ જેટલો યુરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરવામાં આવેલ છે.
તથા અગામી ૨ દિવસમાં ઇફ્કો કંપની દ્વારા જિલ્લામાં ૧૪૦૦ થી ૧૫૦૦ મે.ટન એટલે કે લગભગ ૩૧,૦૦૦ થી ૩૩,૦૦૦ બેગ જેટલો યુરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરવામાં આવનાર છે. વધુમાં અગામી ૨ થી ૩ દિવસમાં ક્રિભકો કંપની દ્વારા પણ રેકનુ આયોજન કરેલ છે. જેમાંથી જિલ્લામાં કુલ ૧૧૦૦ થી ૧૨૦૦ મેટ્રિક ટન એટલે કે લગભગ ૨૫,૦૦૦ થી ૨૬,૦૦૦ બેગ જેટલો યુરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકારના સમયસર અને આગોતરા આયોજનને કારણે વડોદરા જિલ્લામાં ખરીફ ઋતુ દરમ્યાન તમામ ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ થશે તથા ખાતરની કોઈ તંગી વર્તાશે નહી. જેથી જિલ્લાના ખેડૂતોને સમયસર ખાતર મળશે તથા ખેડૂતોએ ખાતરની બાબતમાં ચિંતા રહેશે નહિ.
વધુમાં, જિલ્લાના ખેડૂતોને નાઈટ્રોજન તત્વ માટે યુરીયા ખાતર સિવાય અન્ય સ્ત્રોતો જેવા કે જૈવિક ખાતરો, સેન્દ્રિય ખાતરો તેમજ નેનો યુરીયાનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.