વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રાજ્ય સરકારને 10 દિવસમાં હરણી તળાવનો રીપાર્ટ સુપ્રત કરવાનો રહેશે
વડોદરાના હરણી તળાવ ખાતે સર્જાયેલી દુઃખદ ઘટનાની ઉચ્ચ કક્ષાએ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તપાસનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના હરણી તળાવમાં શાળાના બાળકો અને શિક્ષકો સાથેની બોટ ઊંધી વળી જવાથી સર્જાયેલી દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ ઉચ્ચ કક્ષાએ જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરાને સોંપવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આ સંદર્ભમાં બહાર પડાયેલા આદેશમાં જણાવ્યું છે કે, વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દુર્ઘટનાની વિગતવાર તપાસ કરીને તેનો અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવાનો રહેશે.
વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ આ દુર્ઘટના સંદર્ભના જે મુદ્દાઓ પર તપાસ કરે તેમાં કયા સંજોગોમાં અને કયા કારણોસર બનાવ બન્યો છે તે અંગે. આ બનાવ સંદર્ભે સ્થાનિક તંત્ર, કોઈ ઈજારદાર કે અન્ય કોઈની નિષ્કાળજી કે બેદરકારી છે કે કેમ તેમજ ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકે તે માટેના નિવારક પગલાંઓનો સમાવેશ થાય છે.
આ તપાસ સંદર્ભમાં વડોદરા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર , સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તેમજ અન્ય સંબંધીત એજન્સી ઓએ જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરાને જરૂરી દસ્તાવેજો અને વિગતો પૂરી પાડવાના રહેશે તેમ પણ ગૃહ વિભાગના આદેશમાં જણાવાયું છે.