ગળામાં ખૂંપી ગયેલા 14 સેમી લાંબા તીરને કાઢી વડોદરાના તબીબોએ દર્દીને બચાવ્યો
વડોદરા, રપ વર્ષના યુવાનના ગળામાં ખૂંપી ગયેલા ૧૪ સેન્ટીમીટરના તીરને કાઢીને વડોદરાના સયાજી હોસ્પિટલના તબીબોએ દર્દીને બચાવ્યો હતો. મધ્યપ્રદેશના અલીરાજપુરના અંબાવા ગામે ગત તા.૩૦મીના રોજ બનેલી ઘટનામાં ઘવાયેલા દર્દીને દાહોદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, ત્યારબાદ એ જ હાલતમાં વડોદરા લાવવામાં આવ્યો હતો જયાં ઈએનટી સર્જન અને ન્યુરોસર્જન સંયુકત પ્રયાસથી દર્દીના ગળાનું ઓપરેશન કરી ને તીર કાઢયું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના અલીરાજપુરના અંબાવા ગામે ૩૦મી તારીખે સાંજે બનેલી એક ઘટનામાં રપ વર્ષના યુવાનના ગળામાં તીર ઘુસી ગયું હતું. લગભગ ૧૪ ઈંચ લાંબુ તીર ગળામાં ઘુસી જતાં દર્દીને એજ હાલતમાં સારવાર માટે દાહોદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ત્યાંથી તબીબોએ તેને વડોદરા રિફર કરતાં વડોદરામાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દર્દીને સયાજી હોસ્પિટલના ઈએનટી અને હેડ, નેક સર્જરી વિભાગ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તબકકે રેડિયોલોજી વિભાગના તબીબોએ અભિપ્રાય આપ્યો હતો કે તીર ગરદનમાં સીપ વર્ટીબ્રા સુધી પહોંચી ગયું છે. ગરદનની મુખ્ય રકતવાહિનીઓ અને નસ ઈજાથી બચી ગયા હતા.
આખરે સયાજી હોસ્પિટલના ઈએનટી સર્જન અને ન્યુરોસર્જન વિભાગના તબીબોના સંયુકત અભિગમ દ્વારા ગળાનું ઓપરેશન કરીને તીર કાઢવામાં આવ્યું હતું. તબીબોના જણાવ્યા અનુસાર તીર થાઈરોઈડ કોમલાસ્થિ (એરવે), ફુડ પાઈપને વીંધીને સીપ વર્ટીબ્રામાં કાઢવામાં આવેલ તીર લગભગ ૧૪ સેમી લાંબુ હતું ઓપરેશન બાદ દર્દીની હાલત સ્થિર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં તીરથી ઈજા થનારાઓની ઘટના ઓછી જોવા મળી રહી છે. મધ્યપ્રદેશમાં અલીરાજપુરમાં અમુક વિસ્તાર છે, જયાં તીરદાજી સ્થાનિક સમુદાયોનો અભિન્ન ભાગ છે. બાળકો નાની ઉમરે ધનુષ્ય અને તીર વડે તીરંદાજીની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરે છે પુખ્ત વયના લોકો ધાતુના તીરનો ઉપયોગ કરે છે સ્થાનિક લોકો પોતાને સુપ્રસિદ્ધ એકલવ્યના વંશજ માને છે.