મધ્યપ્રદેશથી 52 લાખનું ડ્રગ્સ લઈ અમદાવાદ પહોંચેલા બે ઝડપાયા

પ્રતિકાત્મક
બાવન લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા-વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે નજીક ડ્રગ્સની ડિલિવરી કરતાં બે ઝડપાયા
(એજન્સી)અમદાવાદ, ક્રાઈમબ્રાન્ચે ફરી એક વખત ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. એક્સપ્રેસ હાઈવે પાસેથી એક મહિલા અને એક પુરુષને રૂપિયા ૫૨ લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યા હતાં.
અને અહીં વટવાના એક યુવકને જથ્થો આપવાનો હતો. જોકે ક્રાઈમબ્રાન્ચે બાતમીના આધારે બંનેને ઝડપી પાડ્યાં છે. આ આરોપીઓના નામ અજય પ્રજાપતિ અને આનંદી ડામર હોવાનું સામે આવ્યું છે. જેમાં બંને જણા મધ્યપ્રદેશના રતલામના રહેવાસી છે.
આ આરોપીઓ મધ્યપ્રદેશના મંદસૌરથી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ એક્સપ્રેસ હાઈવેના પ્રવેશદ્વાર પાસે એએમટીએસના બસ સ્ટેન્ડ પાસે ઉભા હોવાની બાતમી અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને મળી હતી. જેના આધારે ક્રાઈમબ્રાન્ચે રેડ કરીને બંનેને ઝડપી લીધા છે. આ ડ્રગ્સનો જથ્થો વટવાના શાહરુખ નામના યુવકને આપવાનો હોવાનું સામે આવ્યું છે.
જ્યારે આ ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશના મંદસૌર ખાતે રહેતા કાળુ નામના વ્યક્તિએ આરોપીઓને આપ્યો હતો. કાળુ નામનો આરોપી અલગ અલગ વ્યક્તિઓ મારફતે મંદસૌરથી વડોદરા સુધી ટ્રેનમાં અને વડોદરાથી અમદાવાદ પ્રાઈવેટ વાહનમાં મોકલી આપીને એક્સપ્રેસ હાઈવે નજીક ડ્રગ્સની ડિલિવરી કરતો હતો. આ બંને આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા ૫૨ લાખ ૫૦ હજારની કિંમતનો ૫૨૫ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે.
કાળુએ આરોપીને એક્સપ્રેસ હાઈવે પહોંચીને શાહરુખને ફોન કરીને ડિલિવરી આપવા માટે કહ્યું હતું. જેના બદલામાં તેઓને એક ટ્રીપ દીઠ રૂપિયા ૫ હજાર મળતા હતાં. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ આ અગાઉ પણ એક વખત ડ્રગ્સ સપ્લાય કરી ચૂક્્યા છે. જે જથ્થો કોને અને ક્્યારે આપ્યો હતો તે અંગે ક્રાઈમબ્રાન્ચ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ડ્રગ્સની હેરાફેરીને લઈને પોલીસને શંકા ન જાય તે માટે મહિલાને સાથે રાખતા હતાં. પકડાયેલ બંને આરોપીઓ મધ્યપ્રદેશના રતલામમાં ફ્રૂટની લારી ચલાવે છે. જેથી બંને સંપર્કમાં હતાં. જોકે આર્થિક જરૂરિયાત હોવાથી કાળુએ બંનેને રૂપિયા આપવાની લાલચ આપીને ડ્રગ્સની હેરાફેરી કરાવી છે.