હરણી બોટ દુર્ઘટનામાં જાન ગુમાવનારની માતાઓની રજુઆત અને મુખ્યમંત્રીનો માનવીય અભિગમ-

શરૂઆતમાં મુખ્યમંત્રી(તેમના સ્વભાવ વિરુદ્ધ) જરા તપી ગયાં પણ પછી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના માનવીય અભિગમ અને સરળતા માટે જાણીતા છે. તેનો એક વધું પરચો તાજેતરમાં વડોદરામાં સૌને થયો. બન્યુ એવું કે હરણી બોટ અકસ્માતમાં જીવ ગુમાવનારા બે બાળકોની માતાઓ સરલા શિંદે અને સંધ્યાબહેન મુખ્યમંત્રીનાં જાહેર કાર્યક્રમમાં પહોંચી ગઈ અને કાર્યક્રમ શરૂ થયો પછી ઊભી થઈને ન્યાય માટે બોલવા માંડી.
આ સાંભળીને શરૂઆતમાં મુખ્યમંત્રી(તેમના સ્વભાવ વિરુદ્ધ) જરા તપી ગયાં પણ પછી “છોરૂ કછોરૂ થાય માવતર કમાવતર ન થાય” એ કહેવત અનુસાર કાર્યક્રમ પૂર્ણ થયા પછી એ બન્ને બહેનોને મળીને તેમની રજૂઆત સાંભળી લીધી. મુખ્યમંત્રીની આ સહજતા અને સરળતા પ્રશંસનીય ગણાઈ હતી.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડને જીવંત બનાવવા પાલીવાલની નિમણૂંક
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના તા.૨૬/૧૦/૨૦૨૦ના ઠરાવથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની રચના કરવામાં આવી હતી. એ પછી ૨-૩ મહિના બાદ સેક્ટર -૧૨મા આવેલી સરકારી માધ્યમિક શાળાના મકાનમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
તે પછી એ બોર્ડ મૃતપ્રાય અવસ્થામાં હતું.પરંતુ હવે સરકાર સફાળી જાગી છે અને સંસ્કૃત બોર્ડના(પ્રથમ અધ્યક્ષ સુરેન્દ્રનગરના જયશંકર રાવલ હતા)દ્વિતીય અધ્યક્ષ તરીકે સંસ્કૃતને સમર્પિત એવા તરવરીયા તથા યુવાન તેમજ અપરિમિત સંસ્કૃતપ્રેમી હિમાજ્જય કમલાશંકર પાલીવાલની પસંદગી કરી છે.
બાળપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા રહેલા પાલીવાલ છેલ્લા ૨૨ વર્ષથી સંઘ સ્થાપિત ‘સંસ્કૃતભારતી’ના પૂર્ણ સમયના સમર્પિત કાર્યકર્તા છે.
અત્યંત મીઠી જીભ અને ઉત્તમ શિક્ષક તથા વક્તા હોવાના તમામ ગુણો ધરાવતા પાલીવાલ સંસ્કૃત ભાષા અઘરી નથી એવું સામે બેઠેલા શ્રોતાઓને પાંચ મિનિટમાં ગળે ઉતારી શકે એવી ભાષા સજ્જતા ધરાવે છે.સંસ્કૃત અંગેનું પાલીવાલનું જ્ઞાન અત્યંત ઉંચુ છે એ સર્વવિદિત છે.
આશિષ દવેને ગાંધીનગર શહેર ભા.જ.પ.ના અધ્યક્ષપદની લોટરી લાગી?
હાલમાં ભા.જ.પ.માં જિલ્લા અને મહાનગરના પ્રમુખોની નિમણૂંકની સીઝન ચાલી રહી છે એ પ્રવાહમાં પાટનગર ગાંધીનગર ભા.જ.પ.ને પણ નવા પ્રમુખ મળ્યા છે.શહેર ભા.જ.પ.ના પ્રમુખ તરીકે આશિષ દવેની પસંદગી કરવામાં આવી છે.
દવે અગાઉ (૧)ઃ-શહેર પ્રમુખ(૨)ઃ-ગુડાના ચેરમેન અને(૩) મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.પણ એ પછી તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા.વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અત્યંત નજીક ગણાતા આશિષ દવે સાઇડ લાઇનમાં હોવાં છતાં નિયમિત રીતે ‘કમલમ’માં હાજરી આપતા હતા.એ સક્રિયતા અને સંપર્ક તેઓને ફળ્યા હોવાનું પક્ષના વર્તુળમાં ચર્ચાય છે.
અધિક સચિવ અશોક દવેની કામ કરવાની અનોખી પદ્ધતિ
ગાંધીનગર સચિવાલયમાં તમામ મંત્રીઓ અને સચિવ તથા નાયબ સચિવોની ચેમ્બરના બારણાં કાયમ બંધ જ હોય છે. આમાં એક ઉત્તમ અને વિશિષ્ટ અપવાદ છે અને એ છે સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ અશોક દવે છે.
બ્લોક નંબર-૧ના છઠ્ઠા માળે આવેલી અશોક દવેની ચેમ્બર કાયમ ખુલ્લી હોય છે.તમે વિભાગમાં હરતાંફરતાં અશોક દવેને ચેમ્બરમાં બેસીને સ્ટેનોને ડિકટેશન આપતાં જોઈ અને સાંભળી શકો.
ગુજરાતના આઈ?.એ.એસ.અધિકારીઓનુ મહેકમ(એટલે કે બદલી અને બઢતી તથા રજાની મંજૂરી વગેરે) સંભાળતા અશોક દવે સચિવાલય કેડરની ૧૯૮૯ની બેચના સીધી ભરતીના અધિકારી છે.સાદા,સરળ અને નિરાભિમાની અશોક દવે સાદા વસ્ત્રોમાં સજ્જ થવા ટેવાયેલા છે.કશે જ પ્રગટ ન થવાની કાળજી રાખતા અશોક દવે આઈ.એ .એસ. અધિકારીઓની સર્વિસને લગતી તમામ માહિતીઓ કંઠસ્થ રાખે છે.દવેની છાપ એક તેજસ્વી અને મહેનતુ અધિકારીની છે.
નીરજા ગોટરૂએ હસમુખ પટેલની ખોટ ન પડવા દીધી!-
કોઈપણ જાતના પ્રચાર વગર પરીક્ષાઓનું ખૂબ જ સરસ આયોજન કરીને એક મોટો ટાસ્ક પૂરો કર્યો
રાજ્યમાં પોલીસ ભરતીને લઈને હંમેશા કોઈને કોઈ વિવાદ ચાલતો હતો. છેલ્લે હસમુખ પટેલની નિમણૂક પોલીસ ભરતી બોર્ડમાં કરાયા બાદ આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા લાગી.
હસમુખ પટેલની પોલીસ ભરતી બોર્ડમાંથી વિદાય બાદ તેમનાં અનુગામી તરીકે ૧૯૯૩ની બેચના આઇ.પી.એસ. અધિકારી નીરજા ગોટરૂ, કામગીરી (નિવૃત)ની નિમણૂક થઈ. નિરજા ગોટરૂ આ કામગીરી ખૂબ જ સુંદર રીતે નિભાવી રહ્યા છે.
જેના પરિણામે તેઓ ચોમેરથી અભિનંદન મેળવી રહ્યા છે. ?મહિલા આઈ.પી. એસ. અધિકારી નીરજા ગોટરૂએ પણ ખૂબ સારી રીતે પરીક્ષાનું સંચાલન કર્યું હોવાનું બહાર આવ્યું છે.પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નીરજા ગોટરૂને કેટલાય પડકારોને પહોંચી વળવાનું હતું.
એક બાજુ પોલીસમેનની ભરતી હતી તો સાથોસાથ પી.એસ.આઇ.ની પરીક્ષાનું પણ આયોજન કરવાનું હતું પરંતુ આ બંને પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ જતા સૌ કોઈ હાશકારો લીધો હતો.
નીરજા ગોટરૂએ કોઈપણ જાતના પ્રચાર વગર પરીક્ષાઓનું ખૂબ જ સરસ આયોજન કરીને એક મોટો ટાસ્ક પૂરો કરીને સાબિત કરી આપ્યું છે ? કે તેઓએ હસમુખ પટેલની ખોટ પડવા દીધી નથી.