વડોદરામાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મેગા ડ્રાઇવનો આરંભ

તા. ૩૧મી માર્ચ સુધી જીલ્લાનાં ૩૦ કે તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓ માટે ઘરે ઘરે જઈને આરોગ્ય તપાસ અને નિ:શુલ્ક સેવા યોજાશે
(વડોદરા, તા.૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ બુધવાર) વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપુર્ણ પહેલ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા.૨૦/૦૨/૨૦૨૫ થી ૩૧/૦૩/૨૦૨૫ સુધીમાં વડોદરા જીલ્લાના ૩૦ કે તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓનું ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને ત્રણ કેન્સર જેમાં (મોંઢા, સ્તન અને સર્વાઇકલ) માટે સ્ક્રીનીંગ કરવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કરેલ છે.
જેના ભાગરુપે જીલ્લાના તમામ આયુષ્માન આરોગ્ય મંદિરો તથા તમામ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સઘન બિન-ચેપી રોગો (NCD) સ્ક્રીનીંગનું ખાસ ઝુંબેશનુ યોજવામાં આવી છે.
એન.પી-એન.સી.ડી પ્રોગ્રામ હેઠળ આયોજિત આ વિશેષ ઝુંબેશમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને સ્ક્રીનીંગ કરી નિદાન કરવામાં આવનાર છે. નાગરીકોએ જીલ્લા ના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો, જીલ્લા હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પણ તપાસ કરાવી શકાશે.
આ અભિયાનની વિશેષતા એ છે, કે શંકાસ્પદ દર્દીઓને તાત્કાલીક નિદાન અને દવાની સુવિધા પણ ઉપ્લબ્ધ કરવામાં આવશે. આ સાથે આશા બેન અને આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ દ્વારા એકત્રિત કરવામાં આવનારી તમામ માહિતી સંપુર્ણપણે ગોપનીય રાખવામાં આવશે. માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ના ખાસ ઝુંબેશ દ્વારા બિન-ચેપી રોગો (NCDs)ના અટકાવ,
નિવારણ અને નિયંત્રણ માટેના રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ ૩૦ કે તેથી વધુ વયની વસ્તીની ડાયાબિટીસ, હાયપરટેન્શન, મોં-સ્તન-ગર્ભાશયના કેન્સર માટેની તપાસ કરવી અત્યંત આવશ્યક છે. જેની સૌ નાગરીકોને લાભ લેવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.