કાળઝાળ ગરમીને પગલે લૂ લાગવાથી વડોદરામાં એકનું મોત

ચાલુ વર્ષે ઉનાળામાં લૂ લાગવાથી મોતની આ પ્રથમ ઘટના
અમદાવાદ, ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચ્યો છે. દરમિયાન વડોદરામાં એક યુવાનનું ગરમી અને લૂ લાગવાથી મોત થયાનું જાણવા મળે છે. આમ રાજ્યમાં ગરમીને કારણે ચાલુ વર્ષે કોઈનું મોત થયાની આ પ્રથમ ઘટના છે. વડોદરામાં ગરમી અને લૂના કારણે મોતને ભેટેલા યુવાનની ઓળખ થઈ શકી નથી.
વડોદરા જિલ્લામાં ગરમીના કારણે પ્રથમ મોત પોલીસના ચોપડે નોંધાયું છે. હજી તો માર્ચ મહિનો ચાલે છે અને પ્રચંડ ગરમીનો પ્રકોપ લોકો અનુભવી રહ્યા છે. જિલ્લાના સાવલી ખાતે સિહોરા ભાગોળ પાસે ભીમનાથ મંદિરના ગેટની સામે આશરે ૩૦ વર્ષના એક અજાણ્યા યુવાનનું ગરમી અને લૂ લાગવાથી મોત નિપજ્યું હતું. આ અંગે સિહોરા ભાગોળે રહેતા શઇદ અનવર શેખે સાવલી પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી તેમજ અજાણ્યા યુવાનની ઓળખ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે.
ગરમીને કારણે મૃત્યુ પામેલા યુવકની ઓળખ થઈ શકી નથી. પરંતુ યુવક મનો દિવ્યાંગ હોવાની ગામમાં ચર્ચા છે. મૃતક રસ્તાની બાજુમાં સૂતેલી હાલતમાં મળ્યો હતો. જેનું ગરમી અને લૂ લાગવાથી મોત થયુ હોવાનું નોંધાયું છે. પોલીસે યુવક કોણ છે તેની ઓળખ માટેની કવાયત શરૂ કરી છે. મૃતદેહને પીએમ અર્થે સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડવા લાગી હતી. જેથી વહીવટી તંત્ર દ્વારા અનેક સ્થળે લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ બપોરના સમયે વિવિધ ચાર રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ તંત્ર દ્વારા કાળઝાળ ગરમીને લઈને પ્રજાજનોને જરુરી સુચનો પણ કરવામાં આવ્યાં છે.